સ્વિમિંગના શોખીન અમદાવાદીઓને ઉનાળામાં સર્જાનારી પાણીની કટોકટીની સાઇડ ઇફેકટથી મ્યુનિસિપલ સ્વિમિંગપૂલના દરવાજે આગામી દિવસોમાં લોખંડી તાળાં લટકતાં જોવા મળી શકે છે. તંત્ર દ્વારા પાણીનો વેડફાટ રોકવા કલબ, હોટલ ઉપરાંત મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગપૂલના પાણીને બંધ કરવાની જાહેરાત કરાઇ છે. શહેરની નામાંકિત કલબ અને હોટલના સ્વિમિંગપૂલનાં પાણીને બંધ કરવાથી ધનાઢ્ય પરિવારના લોકો, સહેલાણીઓ વગેરે પ્રભાવિત થશે, પરંતુ મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગ પૂલનું પાણી બંધ કરી દેવાથી ગરીબથી લઇને તવંગર સુધીના શહેરીજનો પ્રભાવિત થશે.
એક અંદાજ પ્રમાણે હાલમાં મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગપૂલના પ૮,૦૦૦થી વધારે સભ્ય છે. જેમાં ૧રથી ૧પ હજાર શિખાઉ સભ્ય અને ર,પ૦૦થી ૩,૦૦૦ મહિલા સભ્ય છે. સ્વિમિંગપૂલમાં ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીના કારણે સભ્યોનો ઘસારો ઓછો હોય છે. તેમાં પણ શિખાઉ સભ્ય નહીંવત હોય છે. પરંતુ એપ્રિલ, મે અને જૂન એટલે કે ઉનાળા વેકેશનના દિવસોમાં સ્વિમિંગપૂલ તરવૈયાઓથી ‘હાઉસફુલ’ હોય છે. આ ત્રણ મહિનાઓમાં શિખાઉ સભ્યની સંખ્યામાં ૩૦ ટકા વૃદ્ધિ થાય છે.
મહિલા સભ્યસંખ્યા પણ ઉલ્લેખનીય રીતે વધે છે એટલે આ તમામ સભ્યોને ઉનાળામાં સ્વિમિંગપૂલનું પાણી બંધ કરી દેવાથી સ્વિમિંગ સીખવાથી વંચિત રહેવું પડશે. શહેરભરમાં એ ગ્રેડના ચૌદ, બી ગ્રેડના ચાર, સી ગ્રેડના દશ અને મેમ્કો સ્પોટર્સ કલબમાં એક મળીને કુલ ર૯ સ્વિમિંગપૂલ ધમધમી રહ્યા છે.
આ તમામ સ્વિમિંગપૂલ સભ્યોથી મ્યુનિસિપલ તિજોરીને અંદાજે રૂ.૩ થી ૩.પ૦ કરોડની આવક થાય છે જેમાં ઉનાળાની તીવ્ર ગરમીના ત્રણ મહિનામાં જ રૂ.બેથી અઢી કરોડની આવક થાય છે. ઉનાળામાં સ્વિમિંગપૂલને તાળાં લગાવવાથી તંત્રને આટલી આવક પણ ગુમાવવી પડશે.
જોકે તંત્રને આવક કરતાં પણ સ્વિમિંગપૂલમાં થતો પાણીનો વપરાશ અટકાવવામાં વધારે રસ છે કેમ કે એક સ્વિમિંગપૂલ પાછળ દરરોજ ૮થી ૧૦ હજાર લિટર પાણીના વપરાશને ધ્યાનમાં રાખીએ તો અંદાજિત દૈનિક એક લાખ લિટર પાણીનો વપરાશ થાય છે જો ઉનાળાના ત્રણ મહિનાના ૯૦ દિવસ સ્વિમિંગપૂલનું પાણી બંધ કરાય તો ઓછામાં ઓછા ૯૦ લાખ લિટર પાણીનો વપરાશ અટકી જશે. બીજા અર્થમાં ૯ એમએલડી પાણીની બચત થશે. સ્વિમિંગપૂલના પાણી બંધ કરીને સત્તાવાળાઓ પાણીની આટલી બચત કરવા પ્રયાસ કરશે.
જોકે દરરોજ શહેરીજનોને ૧૧પ૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પડાય છે, આની તુલનામાં ત્રણ મહિના સુધી મ્યુનિસિપલ સ્વિમિંગપૂલનું પાણી બંધ કરીને તંત્ર વધુમાં વધુ ૯થી ૧ર એમએલડી પાણી એટલે કે પાણીના નહીંવત જથ્થાની બચત કરશે. આની સામે દરરોજ ૧પથી ર૦ ટકા પાણીનું થતું લીકેજ અટકાવવાની જરૂર છે.
જો પાણીના લીકેજ અટકાવાય તો સ્વિમિંગપૂલ બંધ કરવાની જરૂર જ નહીં રહે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કુલ ર૯ સ્વિમિંગપૂલ પૈકી સ્ટેડિયમ, કાંકરિયા, વાસણા અને સીટીએમ સ્વિમિંગપૂલમાં તરવૈયાઓનો બારે મહિના ઘસારો જોવા મળે છે.
જો તંત્ર આગામી તા.૧ એપ્રિલથી સઘળા સ્વિમિંગપૂલના પાણી બંધ કરશે તો તરવૈયાઓથી ધમધમતા આ ચારે સ્વિમિંગપૂલ સૂના પડી જશે. દરમિયાન અા અંગે મ્યુનિસિપલ રિક્રિઅેશન કમિટીના ચેરપર્સન બ્રિજલ પટેલ અને સ્વિમીંગપુલનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવીનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી.