મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શનિવારે સ્ટાફ સિલેક્શનની બેઠક મળી હતી જેમાં મ્યુનિ. ના પ્રભારી ધર્મેન્દ્ર શાહે એક માનીતા અધિકારીને બેસાડ્યા હતા. આ વાત કમિશનરના ધ્યાને આવતા તેમણે બેઠક શરૂ થાય તે પહેલા જ તે અધિકારીને ઊભા કરી બહાર નીકળી જવા જણાવ્યું હતું. સ્ટાફ સિલેક્શનની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને મ્યુનિ. કમિશનર જ હાજર રહી શકે છે.
શનિવારે બપોરે સ્ટાફ સિલેક્શનની બેઠક શરૂ થાય તે પહેલા ધર્મેન્દ્ર શાહ મેયરને મળ્યા હતા અને તેમના એક વિશ્વાસુ અધિકારીને પણ બેઠકમાં ઉપસ્થિત રહી શકે તે માટેનો લેખિત ઓર્ડર કરવા દબાણ કર્યું હતું. મેયરે લેખિત ઓર્ડર કરી મ્યુનિ. કમિશનરને મોકલ્યો હતો.
નિયમ વિરૂદ્ધના ઓર્ડરથી કમિશનર ગુસ્સે થયા હતા. કમિશનર બેઠકમાં પહોંચ્યા ત્યારે મ્યુનિ.ના અધિકારી પહેલેથી જ ત્યાં હાજર હતા. અધિકારીને જોઈ કમિશનરે મેયર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને તે અધિકારીને બેઠકમાંથી નિકળી જવા આદેશ કર્યો હતો. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની એન્ટિ ચેમ્બરમાં પ્રભારી જ મ્યુનિ. ને લગતા નિર્ણયો કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
ધર્મેન્દ્ર શાહ ‘સુપર મેયર’ હોવાનો આરોપ
મ્યુનિ.માં પ્રભારી ધર્મેન્દ્ર શાહના વધુ પડતા હસ્તક્ષેપથી ભાજપના જ કેટલાક આગેવાનો નાખુશ છે અને શાહને સુપર મેયર ગણાવી રહ્યા છે. મ્યુનિ.માં ગમે તે મહત્વનો નિર્ણય લેવાનો હોય તેમાં મેયર કરતા સુપર મેયરની ઉપસ્થિતિ જરૂરી ગણવામાં આવે છે. ઘણી વખત તો નીતિ વિષયક નિર્ણયો લેવાઈ જાય પછી મેયરને માત્ર જાણ કરવામાં આવતી હોય છે.