અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભા આજે પાલડી ટાગોર હોલમાં મળી હતી. ટાગોર હોલમાં મળેલી સભામાં શરૂઆતમાં ઈસનપુરના કોર્પોરેટર ગૌતમ પટેલના દુઃખદ અવસાનને લઇ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શોક ઠરાવ બાદ શરૂ થયેલા ઝીરો અવર્સમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ પોતાની રજૂઆત કરી હતી. તેમની વાત ચાલતી હતી તે દરમિયાન શાબ્દિક ટપાટપી થઈ હતી. જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે રેમડેસિવિર ચોરો કો બંધ કરાઓ કહેતા જ ભાજપના સભ્યોએ હોબાળો કર્યો હતો.
શાસક પક્ષ જ બોર્ડ ચલાવવા નહીં દે
ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે માગ કરી હતી કે, શહેઝાદખાન પઠાણે અમારા નેતાને ચોર કહ્યા છે. જેથી માફી માગવામાં આવે નહીં ત્યાં સુધી આ બોર્ડ નહીં ચલાવવા દેવામાં આવે. શહેઝાદખાને કહ્યું હતું કે ભાજપ ચોર છે, વેન્ટિલેટર ચોર અને રેમડેસિવિર ચોર છે જેથી ભાજપના સભ્યોએ હોબાળો કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામ સામે આવી ગયા હતા. બંને સભ્યોએ હાય હાયના નારા લગાવ્યા હતા.