બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહે તેજસ પટેલ નામના યુવકને મારી નાખવાની ધમકી આપતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ ઘટનામાં આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના યુવકને રિવોલ્વર વડે ગોળી મારી હત્યા કરી નાખવાની ધમકી આપી છે. ફરિયાદી તેજસ પટેલ જ્યારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં આવ્યા ત્યારે ગાડીમાં પડેલી રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપતા શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા વેપારી તેજસ પટેલે બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના કેસની ફરિયાદ નોંધાવી હતી. બુધવારે સવારે તેજસ પટેલ તેમના મિત્ર ભારવીન પટેલ સાથે ગ્રામ્ય કોર્ટમાં ગયા હતા. ત્યાં આશિષ શાહ હાજર હતા તેમને ડ્રાઇવર કનુ દેસાઈને કહ્યું હતું કે આ તેજસને આપણી ગાડીમાં પડેલી રિવોલ્વર વડે ગોળી મારી દો.
ડ્રાઇવર કનુ દેસાઈએ ગાળો બોલી ધમકી આપી હતી કે હું તને રાજસ્થાન લઈ જઈ રિવોલ્વરથી ગોળી મારી દઈશ. જેથી તેજસ પટેલે આશિષ શાહ અને તેના ડ્રાઇવર કનું દેસાઈ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.