અમદાવાદની નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીનો મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતભરમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલે સમગ્ર ઘટનાને વખોડી ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભાજપને આડે હાથે લીધા છે.
રેશ્મા પટેલે કહ્યું છે કે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાની દ્વારા મહિલાને છડેચોક માર મારવામાં આવ્યો છે તે મહિલા શક્તિનું અપમાન છે. નારી શક્તિનું હનન કર્યું છે. મારું માનવું છે કે આ લોકો કળયુગના રાક્ષસ છે. સત્તાના નશામાં ચૂર આવા એમએલએને ધારાસભ્ય પદ રહેવાનો અધિકાર નથી.
આ ઘટનાને લઈ ભાજપ પર આકરો પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ મહિલા સશક્તિકરણની જે વાતો કરે છે, તો તમારા પક્ષના એમએલએની સામે એક્શન લો. માત્ર સામાન્ય પ્રશ્નને લઈ આવી રીતે મહિલાને છડેચોક મારી રહ્યા છે તો આ ધારાસભ્યની સામે કાર્યવાહી કરવામાં આવે. જો એમ નહીં કરવામાં આવે તો ધારાસભ્યને પણ બતાવી દેવામાં આવશે કે મહિલાઓની તાકાત શું હોય છે.