વેજલપુરની ઉમાસુત સોસાયટીમાં વર્ષોથી સફાઈકામ કરતા ભાઈ અને તેમના પત્ની નિત્યક્રમ મુજબ સફાઈ કરી રહ્યા હતા, ત્યારે સોસાયટીમાં રહેતા એક પરિવારના સભ્યએ તેમને કહ્યું કે, તમારું કામ પતી જાય ત્યારે જરા મારા ઘરે આવજો થોડું કામ છે.સફાઈ કામગીરી પૂરી થતા ભાઈ અને બેને ઘરના દરવાજે પહોંચી પૂછ્યું ભાઈ શું કામ હતું ? અને તરત જ ઘરના સભ્યએ તેઓ ને પોતાના ઘરમાં લઈ ગયા જ્યાં હોલમાં બે ખુરશી મૂકેલી હતી. ભાઈ અને તેમની પત્નીને ત્યાં બેસાડ્યા અને દીકરાને ટહુકો કરતાં જ નવા નકોર કપડાંમાં સજ્જ થઈને દીકરો હોલમાં દોડી આવ્યો. તેણે બાજુમાં પડેલી કંકાવટી માંથી સફાઈકામ કરતા ભાઈ અને તેમના પત્નીને માથે તિલક કર્યા અને તેમને પગે લાગતા કહ્યું “દાદા આશીર્વાદ આપો આજે મારો બર્થ ડે છે”. પણ પોતાનો બર્થ ડે અનોખી રીતે ઉજવવો હતો માટે પરિવારના તમામ સભ્યોએ સફાઈકામ કરતા ભાઈ અને તેમના પત્ની સાથે દીકરાએ બર્થ ડે ઉજવ્યો.