અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે ભારતમાં 17 મે સુધી લોકડાઉન છે. લોકડાઉન હોવા છતાં ગુજરાતના અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જેને લઈને અમદાવાદમાં હવે આગામી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવતીકાલ (7 મે)થી 7 દિવસ સુધી દુધ અને દવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. જેનો અર્થ એ કે સંપૂર્ણ લોકડાઉનમાં માત્ર આ બે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહશે. કરિયાણા, શાકભાજી સહિતની ચીજવસ્તુ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની જગ્યાએ જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલે શહેરમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી સાત દિવસ સુધી તમામ હોમ ડિલિવરી સર્વિસ બંધ કરી દેવામા આવી છે. નોંધનીય છે કે, શહેરના રેડ ઝોનમાં બેંકો પણ બંધ રાખવામાં આવશે.