કોંગ્રેસને બંને હાથમાં લાડુ દેખાઈ રહ્યા છે..
રીના બ્રહ્મભટ્ટદ્વારા :
નરેન્દ્ર મોદી માટે ગુજરાત ગૃહરાજ્ય જ નહિ બલકે દેશના પ્રધાન મંત્રી બનવાની સીડી પણ બનેલ છે. અને તે સાથે જ ગુજરાત એ હિન્દુત્વની લેબોરેટરી , વિકાસ નું મોડેલ બની સમગ્ર દેશમાં મોદી માટે એક ગૌરવરૂપ બનેલ છે. અને ગુજરાત અને ગુજરાતીઓના નામે મશહુર બનેલ મોદી તેથી જ કોઇપણ ભોગે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનાએ વધારે સીટો મેળવવા માંગે છે. કેમ કે, ગુજરાતના દરેક પગલાની કે ગતિવિધિઓની અસર સમગ્ર દેશ પર પડે છે. તેવામાં જો આ મોડેલ રાજ્યમાં જ બીજેપી ઓછી સીટો મેળવે તો આવનાર તમામ ચુંટણીઓમાં તેની અસર પડે. તેમજ ખાસ કરીને આવનાર લોકસભાની ચુંટણીમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડે.
પરંતુ આ વખતે એ વાત નક્કી છે કે, આ વખતે ભાજપને નસીબ યારી નથી આપી રહ્યું અને એના માટે એક પછી એક મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. હાલ રાજપૂત સમાજ જીતું વાઘની સામે મોરચો માંડીને બેઠો છે. અને આંદોલન ઉગ્ર કરવાની ચીમકી પણ આપી ચુક્યો છે. ત્યારે ભાજપ માટે આ એક નવી મુશીબત છે.
તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચોથી વાર ગુજરાત મુલાકાતે આવ્વાનું પ્રયોજન કરી રહયા છે. પ્રાપ્ત સમાચારો મુજબ ૧૧ નવેમ્બેરે રાહુલ ફરી ગુજરાત આવશે. ત્યારે એક વાત સાબિત થાય છે, કે કોંગ્રેસ આ વખતે એડી-ચોટીનું જોર ગુજરાત જીત માટે લગાવી રહી છે. અને એમાં પણ જયારે આ વખતે પબ્લીકની નારાજગી અને બીજી તરફ ત્રણ આંદોલનકારી નેતાઓનો સાથ-સહકાર. મતલબ દોનો હાથો મેં લડ્ડુ.. એટલે જ રાહુલ અને કોંગ્રેસ બંને બરાબર ગેલમાં છે. અને આ તકને જવા નથી દેવા માંગતા.
વિશેષમાં રાહુલ આ વખતની મુલાકાત દરમ્યાન મોદીના વતન ગણાતા ઉત્તર ગુજરાત તરફનો રુખ કરવા માંગે છે. અને એની પાછળ સ્પસ્ટ આશય એક તો આ મોદીનો ગઢ છે અને બીજું કે, અહી ઠાકોર સમાજની વસ્તી પણ વધારે છે. તેમજ અહી પાટીદાર સમાજના આંદોલનની પણ સૌથી વધારે અસર જોવા મળી હતી. અને વળી ૨૦૧૨ માં કોંગેસે અહી શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે અહી ૩૨ માં થી ૧૮ સીટો મેળવી હતી.
અને ખાસ તો ૨૦૧૫ની નગર પાલિકાની ચુંટણીમાં ભાજપે જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. અને કોંગ્રેસને ભારે ફાયદો થયો હતો. એટલે માની શકાય કે, ઉત્તર ગુજરાતની પ્રજા ભાજપથી નારાજ અને કોંગ્રેસ તરફી જોક ધરાવે છે. જો કે, આ ચોમાસા દરમ્યાન બનાસકાંઠા અને અન્ય સ્થળોએ પુર પીડિતોના હાલ જાણવા ગયેલા રાહુલ ગાંધીની કાર પર લોકોએ હુમલો કર્યો હતો. પરંતુ ખુબ જડપથી બદલાતા જતા ચિત્રને જોઇને રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની મુલાકાત લઇ શકે.
આ સિવાય, મળતા અહેવાલો મુજબ ઉત્તર ગુજરાતથી ચાલીને ચોટીલા જતા લોકોને સ્થાનિકો ખાવા-પીવાનું અને અન્ય જરૂરી ચીજો ત્યાના આસપાસના લોકો પૂરી પાડી રહ્યા છે. પરંતુ સાથે સાથે લોકોને વિનંતી કરી રહ્યા છે કે, તેઓ કોંગ્રેસને જ વોટ આપે અને ભાજપને સબક શીખવાડે .
મતલબ સાફ છે કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ગ્રામ્ય વિસ્તારો અને કદાચ દક્ષીણ ગુજરાતમાં પાટીદારો, ઠાકોરો, દલિતો કોંગ્રેસ સાથે ખાસ નજર આવી રહ્યા છે. ત્યારે ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, લોકોમાં પણ એ વાતની ચર્ચા જોવા મળી રહી છે કે, કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલથી લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. તો એ સાથે એ પણ નોધવું રહ્યું કે, કોંગ્રેસમાં ચુંટણી વહેચણીમાં અત્યારથી જ ટાંટિયાખેચ ચાલી રહી છે. ત્યારે ખરું ચિત્ર તો ટીકીટોની વહેચણી બાદ જ સાફ થશે. પરંતુ કોંગ્રેસે પણ એ યાદ રાખવું પડશે કે, ઘર ફૂટે ઘર જાય… બાકી હાલ તો કોંગ્રેસના બંને હાથમાં લાડુ દેખાઈ રહ્યા છે. પરંતુ ભાજપ કોઈ જોરદાર સોગઠિ મારે તો કઈ કહેવાય નહિ…