એવું કહેવાય છે કે શિયાળો આવતા રોગ પર નિયંત્રણ આવી જાય છે શહેરમાં ધીમે-ધીમે ઠંડી વધી રહી છે પણ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો તથા પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઘટી રહ્યાં નથી. શિયાળામાં પણ શહેરમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. શહેરમાં ૧થી ૧૮ નવેમ્બર દરમિયાન મેલેરિયાના ૩૬૬, ઝેરી મેલેરિયાના ૬૭, ચીકનગુનિયાના ૧૧ અને ડેન્ગ્યૂના ૭૧ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આંકડાઓ અલગ અલગ છે લાંભા અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં તો સૌથી વધુ પ્રદુષિત પાણીની સમસ્યા છે એટલે ઝાડાઉલ્ટી, ટાઇફોઇડ અને કમળાના કેસો સામે આવી રહ્યાં છે. ગત તા. ૧થી ૧૮ નવેમ્બર દરમિયાન ઝાડા-ઊલટીના ૨૬૮, કમળાના ૧૩૩, ટાઇફોઇડના ૧૯૮ કેસ નોંધાયા છે જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ત્રણગણી માનવામાં આવી રહી છે સાથે શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. સામાન્ય રીતે ગટર અને પીવાના પાણી ભળી જતાં કોલેરા જેવા ગંભીર રોગનો કેસ નોંધાતો હોય છે.
શહેરમાં શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ સ્વાઇન ફ્લૂ ફરી માથુ ઉચકવા લાગ્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. આમ આ મહિને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી બે દર્દીના મોત નિપજી ચૂક્યા છે.
આમ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં કેવા લેવાશે તે જોવાનું રહ્યું હવે આ સંખ્યા ઘટશે કે વધશે તે પણ એક વિકટ પ્રશ્ન છે