અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓનો મૃત્યઆંક સતત વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાથી મોતને ભેટનારના અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી રાહ જોવાની ફરિયાદો પણ વધી છે. મંગળવારે સેનેટાઈઝેશનની કામગીરી સમયસર ન થવાના કારણે થલતેજમાં સ્મશાનગૃહમાં 3 મૃતદેહ 3 કલાક સુધી અંતિમ સંસ્કાર વિના 108માં જ પડી રહ્યા હતા. જેથી મૃતકના પરિવારજનો અને ડાધુઓએ કલાકો સુધી રસ્તા પર જ બેસી રહેવું પડ્યું હતું.
મૃતકના પરિવારજનોએ વિલંબ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું હતું કે, સ્મશાનગૃહને સેનેટાઈઝ કરવા આવતી ટીમ હજી સુધી ન આવી હોવાને કારણે અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ રહ્યો છે.
આમ સેનેટાઈઝિંગની ટીમ ઓછી હોવાને કારણે મૃત્યુનો મલાજો પણ જળવાતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના વાયરસને અંકુશમાં દર્શાવવા માટે કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 46 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોને અલગ કરાયા હતા. જોકે, હવે આ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી હોવાના કારણ જણાવીને AMC દ્વારા 11 સોસાયટી-પોળને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, હજી 35 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે ચાલુ રાખ્યા છે.