અમદાવાદમાં છેલ્લા એકાદ મહિનામાં જ એકતરફી પ્રેમીઓનાં હુમલાના ચકચારી કિસ્સા સામે આવ્યા છે. પહેલાં પ્રેમીએ યુવતીને ગળામાં છરી મારી, તો બીજી ઘટનામાં પરિણીતી પાગલ પ્રેમીના કારણે યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ગર્ભવતી મહિલાના પેટ ઉપર બેસીને ગદડા પાટુનો માર મારતાં ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું. આ અંગે પોલીસે અજય ચૌધરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, આરોપી અજય ચૌધરી મૂળ યુપીનો રહેવાસી, વટવામાં રહેતી પરિણાતાને એકતરફી પ્રેમ કરતો હતો. 8 જાન્યુઆરી, 2018ના રોજ અચાનક મહિલાના ઘરમાં ઘૂસી તેણે કહ્યું કે, હું તને પ્રેમ કરું છું તને લઈ જઈશ. મહિલાએ આ અંગે ના પાડતાં અજય ઉશ્કેરાઈ ગયો હતો. અને પરિણીતાને ગડદા પાટુનો માર મારી ગળું દબાવી દીધું હતું. તે વખતે મહિલાએ બૂમો પાડતાં લોકો એકઠાં થઈ ગયા હતા. જે બાદ મહિલા બેભાન થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે, ગર્ભમાં રહેલ નવ માસના બાળકનું મોત નિપજ્યું છે.