શહેરમાં નકલી પોલીસ દ્વારા નાગરિકોને ધમકાવી પૈસા પડાવવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના બાપુનગરમાં બની હતી. પોલીસે બાતમીના આધારે નકલી પોલીસ બની લોકો પર રોફ જમાવતા શખ્સને ઝડપી લીધો હતો.
એસઓજી ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરે શહેરમાંથી મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેની ધરપકડ કરવા એસઓજી ટીમને સૂચના આપી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઇ કે.એ.પટેલની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાનો આરોપી છેલ્લા એક મહિનાથી ફરાર છે. એસઓજીએ નકલી પોલીસ બની બળજબરીપૂર્વક લોકો પાસેથી રૂપિયા પડાવતા યાસીન ઉર્ફે પપૈયા શબ્બિર કુરેશી(ઉં.28 રહે.વટવા ચાર માળિયા)ને ઝડપી લઇ, આરોપીની અટકાયત કરી હતી. ત્યાર બાદ આગળની કાર્યવાહી અર્થે બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે કે પોલીસનો રોફ જમાવીને યાસીને અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી કયા કયા વિસ્તારમાંથી પૈસા પડાવ્યા હતા? ઉપરાંત આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે બાબતે પણ પોલીસે વધુ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.