અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની બેઠક તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ત્રણ વર્ષ પુરા થતા ૧૧ સભ્યોની નવી કારોબારી સમિતિની રચના કરવા ઉપરાંત આગામી ઉતરાયણ નિમિતે પશુ-પક્ષીઓના બચાવ-સલામતી માટે કરવાના થતા પ્રયત્નો અંગે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં દરેક પોલીસ સ્ટેશનમાં પ્રાણીક્રૂરતા અંગેની કાયદાકિય સમય અંગેના બોર્ડ લગાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. પ્રાણી ક્રૂરતા અંગેના કિસ્સામાં પોલીસ તરફથી જરૂરી મદદ અને સહકાર મળતો ન હોવા અંગેનો રોષ પણ કેટલાક સભ્યોએ ઠાલવ્યો હતો.
જીવદયા અને પશુ-પક્ષીઓ પર થતા અત્યાચારો અટકાવવા માટે અમદાવાદ કલેક્ટરની અધ્યતામા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની રચના કરવામા ંઆવી છે. જેમાં વાઇસચેરમેન તરીકે મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનને હોદ્દાની રૂએ સ્થાન અપાયું છે. જ્યારે જનતામાંથી ૧૧ સભ્યોને નિમવામાં આવ્યા છે. જે જરૂરી સલાહ-સુચન કરશે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રાણીક્રૂરતાના કિસ્સામાં પોલીસનો પુરેપુરો સહકાર મળી રહ્યો ન હોવા અંગેની રજૂઆત સભ્યોએ કરી હતી. પ્રાણી ક્રૂરતાની કલમ-કાયદાની સમજ પોલીસ સ્ટાફ અને જાહેર જનતાને મળી રહે તે માટે પોલીસ સ્ટેશનોમાં તે અંગેના બોર્ડ લગાવવામાં આવશે. પોલીસ દ્વારા જરૂરી સહકાર આપવાની ખાત્રી પણ બેઠકમાં આપવામાં આવી હતી.
આગામી ઉતરાયણમાં પતંગની દોરીથી નિર્દોષ પશુ-પક્ષી ન ઘવાય તેમજ તેઓનો જીવ બચાવવા માટે એક્શનપ્લાન ઘઢી કાઢીને તે દિશામાં કામ કરવાને નેમ લેવાઇ હતી. ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા પગલા લેવા, પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં ડૉક્ટરોને હાજર રાખવા, હેલ્પલાઇન નંબરનો પ્રચાર કરવો, કંટ્રોલરૂમ ખોલવા સહિતના સુચના કરાયા હતા. જેની અમલવારીની દિશામાં કામ કરવાનો નિર્ણય લેવાયો હતો.