અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અરાજક્તાભર્યા માહોલ સર્જાઇ ગયો હતો. કેમકે, ઉત્તર ભારતમાં ધુમ્મસને લીધે અમદાવાદને સાંકળતી 73 ફ્લાઇટ 1 કલાકથી વધારે મોડી પડી હતી, 5 ફ્લાઇટ કેન્સલ રહી હતી. આ ઉપરાંત 7 ફ્લાઇટને ડાઇવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 7 બાદથી જ અમદાવાદ એરપોર્ટને સાંકળતી ફ્લાઇટના શેડયૂલ ખોરવાઇ જવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં ઇન્ડિગોની સૌથી વધુ 14, સ્પાઇસ જેટની 10, ગો એરની 8, વિસ્તારાની 3 ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા. આ પૈકી મોટાભાગની દિલ્હી, વારાણસીને સાંકળતી ફ્લાઇટ હતી. અમદાવાદ એરપોર્ટમાં 73 ફ્લાઇટ 1 થી 6.50 કલાક સુધી મોડી પડી હતી.
આ ઉપરાંત ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ, દિલ્હી-અમદાવાદ, કોચી-અમદાવાદ, અમદાવાદ-હૈદરાબાદ, અમદાવાદ-બેંગલોરની ફ્લાઇટને કેન્સલ કરવાની ફરજ પડી હતી. દિવસ દરમિયાન જયપુર, દિલ્હીના રૂટની 7 ફ્લાઇટને ડાઇવર્ટ કરીને અમદાવાદ લાવવામાં આવી હતી. દિલ્હીમાં ધુમ્મસનું પ્રમાણ જ એટલું હતું કે વિઝિબિલિટિ સાવ જ ઘટી ગઇ હતી અને તેના લીધે ફ્લાઇટનું ટેક્ ઓફ્ -લેન્ડિંગ માંડ શક્ય બનતું હતું. અમદાવાદની 73 ફ્લાઇટ 1 દિવસમાં 1 કલાકથી વધુ મોડી પડી હોય તેવું ઘણા સમય બાદ બન્યું છે. ફ્લાઇટ મોડી પડવાને લીધે અનેક લોકોને કનેક્ટિંગ ફ્લાઇટ પણ ગુમાવવી પડી હતી.
આમ, ન્યૂ યર વેકેશન મનાવવા જઇ રહેલા પ્રવાસીઓને ફ્લાઇટ રીશેડયૂલ કરીને નવેસરથી કાર્યક્રમ ગોઠવવા ફરજ પડી હતી. ક્રિસમસ વેેકેશનને લીધે અમદાવાદ એરપોર્ટમાં પ્રવાસીઓની અવર-જવર ખૂબ જ વધુ હોય છે ત્યાં ફ્લાઇટ મોડી પડતા ભારે અરાજક્તા સર્જાઇ હતી.