અમદાવાદના બોપલમાં સાસરે રહેતી એક મહિલાની માતાનો જન્મદિવસ હતો. પણ લોકડાઉન હોવાના કારણે તે તેના માતાના ઘરે જઈ શકે તેમ નહોતું. જેથી તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. બોપલમાં સાસરે રહેતા માનસીબહેન જોગી પરમારના માતા પિતા મણિનગર માં રહે છે અને બને વૃદ્ધ દંપત્તિ ડાયાબિટીસના દર્દી છે. સોમવારે તેમની માતાનો જન્મદિવસ હતો. તેમને મન પોતાના વૃદ્ધ માતાની બર્થડે ઉજવવાની ઘણી ઈચ્છા હતી. પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને એમાંય મણિનગર, ઇસનપુર રેડ ઝોન હોવાથી તેઓ જાય કે ન જાય તેની દુવિધામાં મુકાયા હતા.
ત્યારે અચાનક તેમણે પોતાની ઈચ્છા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. આ વાત CID Crime ના એડી.ડિજી શમશેર સિંઘના ધ્યાને આવી હતી. તેમણે તાત્કાલિક તેમની ટીમના પીઆઇ દિલીપ સાધુનો સંપર્ક કર્યો હતો. દિલીપ સાધુને આ વાત કરીને પોલીસ તરીકે અને માણસ તરીકે જેટલી મદદ કરી શકાય તેટલી મદદ કરવાનું કહ્યું હતું. પીઆઇ દિલીપ સાધુએ તાત્કાલિક આ માનસીબહેનનો સંપર્ક કર્યો હતો. માનસીબહેન સાથે વાત કરી ત્યારે તેમને નાનું બાળક હોવાનું પણ જણાવ્યું હતું જેથી તેઓ રેડ ઝોનમાં ન જાય તેવી સલાહ પીઆઇ સાધુએ આપી હતી.
મહિલાને બનતી મદદ કરવા પીઆઈએ ભરોસો આપ્યો હતો. બાદમાં પીઆઇ સાધુ અને તેમની સાથે એક અન્ય પોલીસકર્મી કેક લઈને ઇસનપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. ઇસનપુર પોલીસસ્ટેશનના પણ બે પોલીસકર્મીઓને સાથે લઈને ટિમ માનસીબહેનના પિયર પહોંચી હતી. ત્યાં ઘરમાં વૃદ્ધ માતા પિતા હાજર હતા. પહેલા તેઓ પોલીસને જોઈને ચોકી ગયા પણ પીઆઇ સાધુ અને ટીમે પહેલા જ વૃદ્ધા ને જન્મદિવસની શુભકામના પાઠવી અને કેક કાપી હતી.