[slideshow_deploy id=’38094′]અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કૉલેજોના એન્જીનિયરીંગ અને બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ હવે વર્ચ્યુઅલ લેબના માધ્યમથી પ્રેકટીકલ કરી શકશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (આઈઆઈટી) મુંબઈની મદદથી ગુજરાતભરમાં જીટીયુના 25 નોડલ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.
આવા એક સેન્ટરનું ઉદઘાટન જીટીયુના ગાંધીનગર કેમ્પસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે 300 પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબ વિશે તાલીમ પણ આપવામાં આવી હતી.જીટીયુના સૌપ્રથમ વર્ચ્યુઅલ લેબ નોડલ સેન્ટરનું ઉદઘાટન ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી કે.કે. નિરાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ નોડલ સેન્ટરોના માધ્યમથી વર્ચ્યુઅલ લેબની જે સેવા ઉપલબ્ધ બનશે તેનો સહુથી વધારે ફાયદો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની કૉલેજોના વિદ્યાર્થીઓને થશે.
જીટીયુ પહેલા પ્રાધ્યાપકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપશે અને પછી તાલીમ પામેલા પ્રાધ્યાપકો તેમના નોડલ સેન્ટર આસપાસની કૉલેજોના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબમાં પ્રયોગો કરતા શિખવશે. આઈઆઈટી મુંબઈના વર્ચ્યુઅલ લેબ વિભાગના પ્રોજેક્ટ મેનેજર શ્રી પુષ્પેન્દ્ર મિશ્રાએ આ કન્સેપ્ટની પૂર્વભૂમિકા સમજાવી હતી અને ઉમેર્યું હતું કે ઈન્ટરનેટની મદદથી દૂરની લેબોરેટરીમાં પ્રયોગો કરી શકાય એવી આ વ્યવસ્થા છે. પ્રથમ તબક્કામાં વર્ષ 2015થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યારે દેશભરમાં આવી 114 લેબમાં નવ વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ 1200થી વધુ પ્રયોગો સફળતાપૂર્વક કરી ચૂક્યા છે.
જીટીયુ નોડલ સેન્ટરોના કો-ઓર્ડિનેટર પ્રો. વિરલ બોરીસાગરે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ લેબ વડે અમે પ્રાધ્યાપકોને નવા પ્રયોગોનું ડિઝાઈનિંગ કરવાની તક આપીશું. નવા પ્રયોગોને આઈઆઈટી-મુંબઈના નિષ્ણાતોની મંજૂરી મળે તો તેને વર્ચ્યુઅલ લેબના મંચ પર અપલોડ કરવામાં આવશે અને દેશભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.