પરીક્ષા પૂરી થઇ પરિણામ આવી ગયા. ત્યારબાદ બોર્ડના પ્રશ્નપત્રો, ઉતરવહી, આઇડી, ઓએમઆર સીટનું શું થતું હોય છે. બોર્ડ અને જીટીયૂ આવા સાહિત્યનો નાશ કરવા માટે કોન્ટ્રાકટ આપે છે અને તેનો નાશ કરાય છે. પરંતુ અમદાવાદની ડંપીગ સાઇટ નજીકના ભંગારના ગોડાઉનમાંથી નાશ કર્યા વિનાનું આ પ્રકારનું સાહિત્ય મળી આવ્યુ. ત્યારે આ સાહિત્યને લઇને અનેક સવાલો સર્જાયા છે.સ્માર્ટ સીટી અમદાવાદ પર કાળી ટીલી સમાન પીરાણાના ડુંગર પાસેના એક ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યું બોર્ડ અને જીટીયૂ સહિતની પરીક્ષા સાહિત્ય. જેમાં ધો.12ની માર્કશીટ, ઓએમઆર સીટ, ઉત્તર વહી તેમજ પ્રશ્નપત્રો વેરવિખેર હાલતમાં મળી આવ્યા. ખરેખર તો આ પરીક્ષા પૂરી થઇ જાય પછી આ દસ્તાવેજનો નાશ કરવાનો હોય છે અને તેનો નાશ કરવા માટે જ તેને લઇ જવાયા હતા. પરંતુ આ સાહિત્યનો નાશ કરવાને બદલે તેને ભંગારના ડેલામાં આવી રીતે કોથળા ભરેલી હાલતમાં જાણે ફેંકી દેવાયા હતા. ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ટેન્ડર મારફતે આ સાહિત્યનો નાશ કરવાનો કોન્ટ્રાકટર આપવામા આવતો હોય છે. જેમાં આ વર્ષે અમીના ટ્રેડર્સને તેનો કોન્ટ્રાકટ અપાયો હતો. ત્યારે આ સાહિત્ય નાશ કરવાને બદલે કચરામાંથી મળી આવતા ગોડાઉન માલિકે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે આ સાહિત્ય વાહનમાંથી નીચે પડી ગયું હશે.
દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય છે જીટીયૂની પરીક્ષા આપતા હોય છે. જે પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ તેનું પરિણામ જાહેર થાય રિએસેસમેન્ટની પ્રકિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાના સાહિત્યનો નાશ કરવાનો કોન્ટ્રાકટ અપાતો હોય છે. જે સાહિત્યનો નાશ કરવા માટે જે ઉંચા ટેન્ડરના ભાવ આપે તેને કોન્ટ્રાકટ અપાતો હોય છે. પરંતુ પીરાણા ડંપીગ સાઇટના ભંગારના ગોડાઉનમાંથી મળેલા આ નાશ કર્યા વિનાના સાહિત્યને લઇને કોન્ટ્રાકટની કામગીરી સામે સવાલો ઉઠયા છે.