ગુજરાતના ચુંટણી પ્રવાસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહને સૌથી વધુ આવકાર ગુજરાતભરમાં જીએસટીનાં કારણે ત્રસ્ત બનેલા વેપારી સંગઠનો ધ્વારા મળ્યો છે, કાયદાની ચુંગાલમાંથી હમેશા દુર રહેવા ટેવાયેલા વેપારી વર્ગ માટે જીએસટીના ઊંચા કે નીચા દરો કરતા તેની જફા વધુ ને વધુ અકળાવનારી છે. જીએસટીની આંટીઘૂંટીભરી માયાજાળ અને સરકારી તંત્રના અપૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભોગ વેપારીઓ અગાઉ પણ બનેલા છે, તેથી જ દેશભરના વેપારીઓમાં જીએસટી સામે વિરોધનો સૂંર ઉઠેલો છે, પરંતુ ગુજરાતમાં ચુંટણી પ્રચારમાં તે મુખ્ય મુદ્દો બની રહ્યો છે.
ભાજપના જ કેટલાક અગ્રણીઓ એવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે, મોદી સરકારે દિલ્હીથી ઉતાવળે લીધેલો જીએસટીના અમલનો નિર્ણય ગુજરાતની ચુંટણીઓમાં ગુજરાત ખોવા જેવો ઘાટ ઉભો ના કરે તો સારું છે, કારણ કે, હાલ ૧૫૦ પ્લસની પળોજણમાં મુખ્ય નેતાઓની ઊંઘ જરૂર ઉડી ગઈ છે,
કેન્દ્ર સરકારને હવે જીએસટીનાં મુદ્દે કૈક કાચું કપાયાનો પણ અહેસાસ થઇ રહ્યો છે, તેના કારણે અગાઉ તેમાં અનેકવિધ સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં તેમાં સુધારા કરવાના વાયદા સરકાર હજુ પણ આપી રહી છે, તેથી એવું ના થાય કે જીએસટીમાં જેટલા કાયદા છે તેનાથી વધારે સુધારા બહાર પાડવામાં આવે. અગાઉ જયારે સરકાર દ્વારા સેલ્સટેક્ષ દુર કરીને વેટ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જવા પામી હતી અને તેના કાયદાની કલમ કરતા વધુ તો સુધારા બહાર પાડવામાં આવ્યા હતા.
જીએસટીમાં કેટલી આંટીઘૂંટી છે તેની ચર્ચાને અત્યારે બાજુમાં રાખીએ તો પણ જીએસટીનો મુદ્દો ભાજપ માટે હાલને તબક્કે મુખ્ય નબળાઈ બની ચુક્યો છે અને કોંગ્રેસને તેનો પૂરો ખ્યાલ આવી ગયો છે તેથી કોંગ્રેસ ભાજપની આ નબળી અને દુખતી નસ ઉપર જ બરાબર દબાણ આપી રહી છે. અનેક વિટંબણાઓ ભરેલી જોગવાઈના કારણે જ જીએસટીને વેપારી વર્ગમાંથી જાકારો મળવા પામ્યો છે, પરંતુ જોગવાઈઓનો અમલ પૂર્વે તેનો અભ્યાસ કરવાનું ભાજપ સરકાર ભૂલી ગઈ અને એક દેશ એક ટેક્ષના સુત્રની વાહ વાહ કરીને જીએસટીનો જશ ખાટવા જતા ભાજપ બરાબર આ મુદ્દે ભરાઈ જવા પામી છે, તે એક હકીકત છે.