અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી અને ભારતની સૌથી જૂનામાં જૂની એલ.એમ. કૉલેજ ઑફ ફાર્મસીને રાષ્ટ્રીય રેંકીંગમાં 24મો ક્રમ પ્રાપ્ત થયો છે. આ બાબતે જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો(ડૉ) નવીન શેઠે કૉલેજના વિદ્યાર્થીઓ અને ફ્કલ્ટી મેમ્બરોને શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે ફાર્મસી ઉદ્યોગની લેટેસ્ટ હીલચાલ સાથે તાલ મિલાવતો અભ્યાસક્રમ બનાવવામાં આવશે. તેના માટે ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) સાથે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી છે. જીટીયુની કૉલેજો રાષ્ટ્રીય રેંકીંગમાં આવી રીતે ઝળકતી રહે તે બાબત જીટીયુ માટે ગૌરવપ્રદ છે અને તેના માટે કૉલેજોને પ્રોત્સાહન આપવામાં આવશે.
બીજી બાજુ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. મહેશ છાબરીયાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે અમે ગુણવત્તાસભર શિક્ષણ સાથે સમાજની આરોગ્યલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. અમે ફાર્મસીના અવનવા સંશોધનો પર ભાર મુકીશું. કૉલેજને હવે ઈન્કયુબેશન સેન્ટર પણ મળી જતાં તેના માધ્યમથી ફાર્મા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવશે. અમારા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના કૌશલ્યો સાથે ઉદ્યોગો સાથે સંકળાય ત્યારે તેઓને મૂંઝવણ અનુભવવી ન પડે તેના માટે પ્રેકટીકલ જ્ઞાન પર ફોકસ વધારવામાં આવશે.
જીટીયુના રજીસ્ટ્રાર ડૉ. શૈલેષ પંચાલે કહ્યું હતું કે વર્ષ 1947માં અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એલ.એમ. ફાર્મસી કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. ખુદ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આઈ ક્રિયેટના ઉદઘાટન સમારોહમાં અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે એલ.એમ.ફાર્મસી કૉલેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમુક ઉદ્યોગપતિઓએ મળીને અમદાવાદમાં ફાર્મસીની એક કૉલેજ સ્થાપી અને તે કૉલેજના વિદ્યાર્થીઓએ ફાર્મસી ઉદ્યોગમાં દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું છે. દવા ઉદ્યોગમાં ગુજરાતનો ડંકો વગાડનારા મોટાભાગના તે કૉલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ બાબત આપણા માટે ગૌરવ લેવા જેવી છે.