અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં રાષ્ટ્રીય હેરિટેજ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તે કેન્દ્રમાં ભારતના પુરાતન સ્મારકો અને ઈમારતોના ભવ્ય વારસાના જતન, રક્ષણ અને વિકાસ તેમજ ભુકંપ સહિતના પાસાંઓને લગતી બાબતોનું સંશોધન કરવામાં આવશે. આ કેન્દ્રને કન્સલ્ટન્સી કાર્ય તરીકે સૌપ્રથમ ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાતનો પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે, જેના અંતર્ગત પાવાગઢના પહાડીક્ષેત્રમાં જીઓ ટુરિઝમ વિકસાવવા અંગેનો પૂર્વ સર્વેક્ષણ અહેવાલ તૈયાર કરવાનો રહેશે અને તેના માટે ખડકોના નમુનાઓ એકત્ર કરવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ સ્થાપવાનો મૂળ હેતુ સ્માર્ટ સિટી વિકસાવવામાં ટેકારૂપ ભૂમિકા ભજવવાનો હતો તેવા જ આશય સાથે હવે હેરિટેજના ક્ષેત્રે સંશોધનાત્મક કામગીરી બજાવવા આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવી રહ્યુંછે. આ બંને કેન્દ્રોમાં હાલમાં એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ, સાલ એન્જીનિયરીંગ કૉલેજ, સિલ્વર ઓક એન્જીનિયરીંગ કૉલેજ, સોમ-લલિત ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ અને ઈન્સ્ટીટ્યુટ ઑફ સેસ્મોલોજીકલ રિસર્ચ સહિતની ૩૦ કૉલેજો અને સંસ્થાઓ સંકળાયેલી છે.
જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે હેરિટેજ ઈમારતોના જતન માટે અત્યાધુનિક એન્જીનિયરીંગ ટેકનિક વડે સંશોધન આજના જમાનાની આવશ્યકતા છે. ઈન્સ્ટીટ્યુટ ઑફ સેસ્મોલોજીકલ રિસર્ચના મહાનિયામક ડૉ. રવિ કુમાર અને નિયામક ડૉ. સુમેર ચોપરાએ ધરતીકંપની અસરોથી હેરિટેજ સ્મારકોને બચાવવા શું કરવું જોઈએ તેની જાણકારી આપી હતી. અમદાવાદ હેરિટેજ પ્રોજેક્ટના અધ્યક્ષ ડૉ. પી.કે.ઘોષે અમદાવાદને હેરિટેજ શહેરનો યુનેસ્કો તરફથી દરજ્જો મળ્યા પછીથી હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિગતો આપી હતી.