સરકારે હંમશા ” જનરંજ ” નહીં પરંતુ
” જનહિત ” ના નિર્ણયો કરવાની જરૂર હતી
અમદાવાદમાં દીવાળીના તહેવારો બાદ કોરોનાની જે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે તેની પાછળ માત્ર ને માત્ર સરકારની અનિર્ણાયકતા જ કારણભૂત છે. હમેશા નિર્ણય કરવામાં અવઢવ તથા મોડો અને ઉતાવળો વણ વિચાર્યો નિર્ણય કરી ફેરવી તોળવામાં સરકારે તમામ રેકર્ડ પોતાના નામે કરી લીધા છે.
ટેસ્ટિંગ પોલીસી, કોરોન્ટાઈન નીતિ , રથયાત્રા , નવરાત્રિ, શાળાઓ ખોલવી કે નહી , ફી અગેનો વિવાદ જેવા અનેક ઉદાહરણો છે જ્યાં વિજયભાઈ અસમંજસ માં દેખાયા છે. હાઈકોર્ટના હસ્તક્ષેપ સિવાય સરકાર કોઈ નિર્ણય પર આવી જ નથી શકતી એવી છાપ પણ ઉપસી છે. હાલ અમદાવાદમાં કર્ફ્યુ અંગે જે નિર્ણય લેવાયો તેમાં પણ સંકલનનો અભાવ જણાયો. શ્રી રાજીવ ગુપ્તા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ શિક્ષણ મંત્રી શાળાઓ ખોલવા અંગે પ્રેસ વાર્તા કરતા હતા વળી આ બધા વચ્ચે વિજયભાઈને કોઈકે યાદ કરાવ્યુ હશે કે મુખ્યમંત્રી તો આપ છો એટલે રાત્રે રાત્રિ કર્ફ્યુ ને ૬૦ કલાકનો સળંગ રાખવાનો અને શાળાઓ નહી ખોલવાની જાહેરાત કરી પોતાની હાજરી પુરાવી. ઓક્સીજન સપ્લાય મશીન ને સરકાર વેન્ટીલેટર ગણાવી ભટકાડી જઈ શકે એ મુખ્યમંત્રીની વહીવટી ક્ષમતા પર કેટલો ભરોસો કરી શકાય ?
દીવાળીના તહેવારો બાદ આ સ્થિતિ અંગે તબીબી આલમે સરકારને ચેતવી હતી.નવરાત્રિ અંગેના નિર્ણયમાં ગૂંચવાતી સરકારને પણ સ્પષ્ટ વિરોધ દ્વારા અમદાવાદ મેડીકલ એસોશિયેશન દ્વારા નિર્ણાયક રજુઆત થઈ હતી . ભાજપના જ કેટલાક મળતીયા કલાકારોએ સખત વિરોધ કરી સરકારને સાચો નિર્ણય કરવામાં મદદ કરનાર તબીબો સામે સોશીયલ મીડીયામાં એલફેલ લખાણો લખાયા, પત્રિકાઓ વહેચાઈ , આખા મામલાને ધાર્મિક રંગ અપાયો તે આપણે સૌ જાણીએ છીએ. જો તબીબોની વાત સતત ધ્યાને લેવાઈ હોત અને લોકરંજક નિર્ણય કરવાથી કે ધાર્મિક લાગણીઓને પ્રાધાન્ય આપવાથી સરકાર બચી હોત તો આજની સ્થિતિ ઉપસ્થિત ના થાત. જીમ, સ્વીમીંગ પુલ, કલબો કે થીયેટર્સ ખોલવા પાછળ કયો તર્ક હોઈ શકે સમજાતુ નથી. ભાજપના દાતાઓને ખુશ રાખવાના અને ધનસંચય કરવાના હેતુ સિવાય કોઈ ઉદેશ જણાતો નથી. વળી જે ગાઈડલાઈન અમલમાં હતી તેનો કડક અમલ કરાવવામાં પણ સરકાર ઉણી ઉતરી. પોતાની જ કાર માં પરિવાર સાથે નિકળેલાને માસ્ક ના નામે લૂંટવાના અને શટલીયાઓ ધડલ્લે ચાલવા દેવાના આ બેવડી નીતિ જોખમકારક સાબિત થઇ છે. લોકોને પ્રસંગ કરવો હોય તો બસોની સંખ્યા મર્યાદા અને પાટીલ સાહેબના ફુલેકાઓ અને વરઘોડા માટે કોઈ કાયદો નહી. બે રોકટોક માત્ર કાગળ પરના નિયંત્રણ વાળી નિતિ જ કોરોના વિસ્ફોટક સ્તરે છે અને સરકાર ફરી એક વાર ઘોડા છુટ્યા બાદ તાળા મારવા નીકળી છે .