કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ટ્રાફિક નિયમો કડક બનાવ્યા છે ,ત્યાં શહેરમાં એચએસઆરપી નંબર પ્લેટ માટે આરટીઓમાં લાઈનો લાગી હતી. આ વખતે આરટીઓમાં સર્વર બે કલાક સુધી બંધ થઈ જતા સેંકડો અરજદારો મોડી સાંજ સુધી નાણાં ભરવા માટે ઉભા રહ્યા હતા.
આરટીઓ કચેરીમાં છેલ્લા બે દિવસથી લોકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે જુદી જુદી ઓળખાણો લાવીને તુરત કરી આપવા માટે માંગણી કરી રહ્યા હતા. બીજી તરફ અધિકારીઓ કેટલા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટો લગાવવામાં આવી અને કેટલા વાહનોમાં હજુ બાકી સહિતનો ડેટા માંગી રહ્યા હતા.
બાકીના નવ લાખથી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ કયારે લાગશે તે આરટીઓ કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આરટીઓમાં દ્વારા ટુ વ્હીલરમાં HSRP નંબર પ્લેટ લગાવવાના રૂ.૧૪૦ લેવામાં આવે છે. જયારે બહાર એજન્ટો રૂ. ૪૦૦ થી ૯૦૦ લેવાનું ચાલુ કર્યુ છે. આ HSRP નંબર પ્લેટ માટે પહોંચ આપીને ત્રણ થી પાંચ દિવસ બાદ બોલાવતા હોય છે.
જયારે આરટીઓ કચેરીમાં જો HSRP નંબર માટે સીધા નાણાં ભર્યા હોય તો પંદરથી વીસ દિવસ લાગતા હોય છે.જેના લીધે વાહન ચાલકો એજન્ટને પકડીને HSRP નંબર પ્લેટ લગાવવા માટે મહત્વ આપી રહ્યા છે.HSRP પ્લેટ માટે રજિસ્ટ્રેશન કરવા માટેનો સ્ટાફ અપૂરતો હતો. એમાંય વાર-વાર સર્વર ડાઉન્ડ થતા ગરમીમાં લોકોને લાઈનમાં ઊભા રહેવું પડયું હતું.
HSRP પ્લેટ ના હોય તેની સામે RTOની કાર્યવાહી
આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસમાં એચએસઆરપી નંબર પ્લેટ ના લગાવી હોય તેવા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે. ટુ વ્હીલર પાસેથી રૂ.૧૦૦, થી વ્હીલર પાસેથી રૂ.૩૦૦, ફોર વ્હિલર્સ પાસેથી રૂ.૨૦૦ અને ભાર વાહનો પાસેથી રૂ.૫૦૦ થી ૧૦૦૦ વસૂલવામાં આવ્યા છે.
આરટીઓ દાવો શું કરી રહ્યા છે
અમદાવાદમાં વાહનોની સંખ્યા ૪૧.૯૦ લાખ , HSRP પ્લેટોવાળા વાહનોની સંખ્યા ૨૫.૭૦ લાખ , HSRP પ્લેટો મેળવવા માટેના વાહનોની સંખ્યા ૩ લાખ, વાહનો સ્ક્રેપ થઈ અથવા બીજા રાજયમાં સ્થળાતંર થયેલાની સંખ્યા ૧૬.૨૦ લાખ
સરકારી કચેરીના વાહનોની નંબર પ્લેટ માટે અરજીઓ થઈ
સરકારી ગાડીઓમાં HSRP પ્લેટ લગાવવા માટે સરકારી કચેરીના લેટપેડમાં વાહન નંબર લખીને આરટીઓ કચેરીમાં મોકલી આપ્યા હતા. ઈન્કમટેક્ષ, જીએસટી, કસ્ટમ, ડીઆરઆઈ, સરકારી કચેરીમાં વાપરવામાં આવતી ગાડીઓના નંબર લખીને આરટીઓમાં HSRP નંબર પ્લેટ માટે આજે અરજીઓ કરી હતી.
HSRP પ્લેટ અંગે અધિકારીઓમાં વિરોધાભાસ
અમદાવાદ આરટીઓ કચેરીમાં નોંધાયેલા વાહનો પૈકી કેટલા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી તેના આંકડામાં વિરોધાભાસ જોવા મળ્યો છે. આરટીઓના જણાવ્યા મુજબ ૨૩ લાખ વાહનોમાં HSRP પ્લેટ લગાવી દીધી છે.જયારે ત્રણ લાખ વાહનોમાં HSRP વાહનોમાં પ્લેટ લગાવવાની બાકી છે.જયારે એચએસઆરપી સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યુ હતુ કે, પંદર વર્ષમાં નોંધાયેલા ૧૬ લાખ ૭૮ હજાર વાહનોમાં HSRP પ્લેટ લગાવવાનું કહ્યુ હતુ.જેમાંથી ૬ લાખ ૨૫ હજાર વાહનોમાં HSRP પ્લેટ લગાવવામાં આવી છે. બાકીના વાહનોમાં HSRP પ્લેટ લગાવવાની બાકી છે.