અમદાવાદ: સ્માર્ટ સિટી અને ઓટોમેશનનો જમાનો આવી રહ્યો છે, ત્યારે આગામી થોડા વર્ષોમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની બોલબાલા વધશે, એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં ગુજકોસ્ટ પ્રાયોજિત ત્રણ દિવસમાં વર્કશોપ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. તેમાં 110 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરોએ રસપૂર્વક ભાગ લીધો હતો. નોંધપાત્ર બાબત એ હતી કે આ કાર્યશાળામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ ઉપરાંત દિલ્હી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ આ લેટેસ્ટ તાલીમ મેળવવા આવ્યા હતા.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ)ના ડેટા આર્કિટેક્ટ અંકુર શર્માએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ભવિષ્યમાં આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની જશે. તેનો ઉપયોગ વેબ સર્ચથી માંડીને કૉમ્પ્યુટર બાયોલોજી, ફાઈનાન્સ, ઈ-કોમર્સ, અવકાશને લગતી બાબતો, રોબોટીક્સ, માહિતી મેળવવા, સોશિયલ નેટવર્ક બનાવવામાં અને સમસ્યાઓ ઉકેલવામાં થશે. આમાંની ઘણી બાબતોનો આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ. મશીન લર્નિંગ સીધીસાદી ભાષામાં સમજાવતા તેમણે કહ્યું હતું કે મશીન લર્નિંગ એટલે એવું ઓટોમેશન કે જેમાં અગાઉથી પ્રોગ્રામ કરેલા નહિ પણ આપણી જરૂરિયાત મુજબ કૉમ્પ્યુટરો કે સાધનસામગ્રીમાં પ્રોગ્રામીંગ થઈ જાય અને તે મુજબ તે ઉપકરણો કામ કરે એવું શક્ય બનશે.
પરંપરાગત પ્રોગ્રામીંગમાં અગાઉથી નક્કી થયા મુજબના ડેટા અને પ્રોગ્રામ આધારિત આઉટપુટ કૉમ્પ્યુટરમાંથી મળતું. હવે મશીન લર્નિંગમાં ડેટા અને આઉટપુટ જેવું મેળવવું હોય તેના આધારે કૉમ્પ્યુટર પ્રોગ્રામ કરે એવી વ્યવસ્થા અમલમાં રહેશે. હવે પછી સોફ્ટવેર એન્જીનિયરોના કોડીંગ કૌશલ્ય, આંકડાશાસ્ત્રીઓના ગણિત અને અંકશાસ્ત્રના જ્ઞાન અને મશીન લર્નિંગના ખાસ જ્ઞાનનો સમન્વય થાય એવા ડેટા સાયન્સનું મહત્ત્વ વધશે.
વર્કશોપના પ્રાયોજક ગુજકોસ્ટના સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ ભવિષ્યની ટેકનોલોજી વિશે અત્યારથી વિદ્યાર્થીઓ વિચારતા થાય તેના માટે આવા વધુને વધુ કાર્યક્રમો યોજવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. એસ.ડી. પંચાલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ના આધુનિકરણની વાત હોય કે વિદ્યાર્થીઓના કૌશલ્યો વિકસાવવાની બાબત આ બધામાં પ્રેરકબળ પૂરું પાડીને જીટીયુએ અનેક પગલાં લીધા છે. અન્ય નિષ્ણાતો ડૉ. વિભા પટેલ, રિતેશ પટેલ, ટોબ મેમેન અને ડૉ. અમિત સારસ્વતે તેના ટેકનિકલ પાસાંઓની છણાવટ કરી હતી. વર્કશોપના કન્વીનર તરીકે પ્રો. માર્ગમ સુથારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.