અમદાવાદ, હોળી આવતાની સાથે જ સામાન્યથી લઈ માલેતુજાર ગૃહિણીઓની ચિંતા જાણે વધી ગઈ છે. ઘરઘાટી તરીકે અને છુટક કામ કરતા કામવાળા મહત્તમ રાજસ્થાનથી આવે છે તે સૌ કોઈ જાણે છે. ડુંગરપુર, ભિલવાડા, ઉદેપુર, બાંસવાડા જેવા રાજસ્થાની વિસ્તારોમાંથી આવતા ઘરઘાટીઓ માટે હોળીનો તહેવાર જાણે વેકેશન પિરીયડ બની જાય છે. હોળીના અગાઉના બે દિવસથી વતન તરફ મીટ માંડીને બેઠેલા આવા ઘરકામ કરતા લોકો વીસેક દિવસ જેટલા લાંબા સમયગાળા માટે વતન જવા રવાના થયા છે.
અમદાવાદના થલતેજ વિસ્તારની ગૃહિણીઓ સાહજીક રીતે જણાવે છે કે, વર્ષમાં એકવાર તેમના માટે આવતો સંકટસમય એટલે હોળી. સામાન્ય રીતે ધનાઢ્ય વિસ્તારમાં વધુ કામ કરતા ઘરઘાટીઓ મહીને 5000 થી લઈ 10000 સુધીનો પગાર લેતા હોય છે. જ્યારે છુટક કામ કરતા કામવાળા 2000 થી 6000 સુધીનું મહેનતાણું ઘરદીઠ પ્રતિમાસ કમાઈ લેતા હોય છે. 20 દિવસ જેટલા લાંબા સમય સુધી વેકેશન પર ગયેલા આવા કર્મીઓની અવેજમાં રાખવા પડતા કામવાળાને જરૂરીયાત પ્રમાણે વધુ પગાર ચુકવવો પડે તે સ્વાભાવિક છે. પણ કામદીઠ 50 થી 100 રૂપિયા વધુ ચુકવીને પણ ધનાઢ્યો કે વર્કીંગ કપલ ઘરનું કામ કરાવતા ઘરનું બજેટ જાણે ખોરવાઈ ગયું છે.
ગુજરાતમાં 50 હજાર થી વધુ કામ કરતા રાજસ્થાની કામદારો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં રોજી રળતા હોય છે. ફક્ત ઘરકામ કરતા જ નહીં, સિક્યુરીટી, સુથારકામ, રંગકામ, કડીયાકામ, હોટલકામ જેવા કામ કરતા રાજસ્થાની કામદારોના જવાથી ગૃહિણીઓ જ નહીં કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને હોટલમાલીકો પણ વિમાસણમાં મુકાયા છે.
વા જ એક ઘરઘાટી તરીકે કામ કરતા ઈશ્વરભાઈ માટે હોળીનો તહેવાર મહત્વનો ગણવામાં આવે છે. ઈશ્વરભાઈના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં દશમ સુધી વિવિધ દિવસોએ શેરી કે મોહલ્લાદીઠ પ્રસાદ આપવાની પરંપરા હોવાથી તેમનું ઓછામાં ઓછું 10 દિવસ રોકાવવું અનિવાર્ય બને છે. રંગીલા રાજસ્થાન તરીકે ઓળખાતા આ રાજ્યમાં હોળીના રંગોનું વિશેષ મહત્વ છે. પહેલા માટીથી રમાતી હોળી હવે રંગોમાં તબદીલ થઈ છે. આદિવાસી વિસ્તાર વધુ હોવાની સાથે એકમાત્ર હોળીનો તહેવાર તેઓ ઓછા ખર્ચમાં રંગેચંગે મનાવી શકે છે. જોકે, પહાડી વિસ્તાર હોવાની સાથે ખેતી અને ઉદ્યોગો ત્યાં અશક્ય હોવાથી તેમણે નજીકના રાજ્યોમાં ઘરકામ કરવા આવવું પડતું હોય છે.