અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક મૂકબધીર યુવતી પર તે જ વિસ્તારમાં રહેતાં એક દિવ્યાંગ યુવકે લિફ્ટ આપવાને બહાને રામોલ રિંગરોડ પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે. માતા પિતા વગર પોતાની દાદી સાથે રહેતી મૂકબધીર યુવતી પોતાના ઘરેથી નીકળીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર પહોંચી ગઇ હતી જ્યાં તેને આ યુવકે લિફ્ટ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી દિવ્યાંગ યુવકની ધરપકડ કરી લીધી છે.
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષિય મહિલાએ મંગેશ ભારદ્વાજ (રહે શ્રીનાથનગર, અમરાઇવાડી) નામના વિકલાંગ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાની સાથે તેની ૨૩ વર્ષિય મૂક બધીર પૌત્રી રહે છે. તારીખ ૨ સપ્ટેબરના રોજ મહિલા કામ પર ગઇ હતી ત્યારે યુવતી એકાએક તેના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. મહિલા ઘરે આવી ત્યારે યુવતી નહીં મળતાં પડોશમાં રહેતા તેના પુત્ર અને પુત્રવધૂને પૂછ્યું હતું. ત્રણેય જણાએ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ મંગેશ ભારદ્વાજ નામનો યુવક સાઇડકાર સ્કૂટર પર તેને બેસાડીને લાવ્યો હતો. યુવતીના કાકી અને કાકાને શંકા ગઇ હતી કે તેની સાથે કાંઇ અજુગતું થયુ છે.
અંપગ યુવક મંગેશે યુવતીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી લિફ્ટ આપી હોવાની કબૂલાત કરી હતી. બંને જણાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર તપાસ કરવા માટે ગયા ત્યારે એક મહિલાએ તેમને જણાવ્યુ હતું કે મંગેશે તેને અમરાઇવાડી મૂકી દેવા માટે લિફ્ટ આપી હતી. કાકા-કાકીએ મંગેશની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે યુવતીને રામોલ રિંગરોડ પર અવાવરું જગ્યા પર લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
અમરાઇવાડી પોલીસે આ મામલે મંગેશ વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એક મૂક બધીર યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતી પર પડોશમાં રહેતા યુવકે બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી હતી.