અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે અન્ય કોઈ હોસ્પિટલમાં સારવાર માટે જવાનું થાય તો કિંમતી દાગીના અને વસ્તુઓ ઘરે મૂકીને જજો કેમ કે માનવતાને શર્મસાર કરતી ઘટના સિવિલ હોસ્પિટલમાં બની છે. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલી બે મહિલાના શરીર પરથી દાગીના ગાયબ (ચોરી) થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. અમરાઈવાડીના સ્થાનીક કોર્પોરેટર જગદીશ રાઠોડે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત ફરિયાદ કરી છે.
અમરાઈવાડીમાં રહેતા બિંદુબહેન રાજપૂતને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા હતા. જો કે તેમનું અવસાન થતાં પરિવારને અંતિમક્રિયા માટે હાજર રાખ્યા હતા. જોકે બિંદુબહેને પહેરેલી સોનાની બે બુટ્ટી, નાકની નથની અને તેમની પાસેનો મોબાઇલ ફોન પરિવારને મળ્યો ન હતો. બિંદુબહેનના પતિ શિવપૂજન રાજપુત એ આ અંગે જણાવ્યું હતું કે, મારી પત્નીના દાગીના અને મોબાઈલ ફોન ના મળતા અમે ચોરીની ફરિયાદ 100 નંબર પર ફોન કરીને લખાવી છે.
બીજી ચોરીની ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા જશુબહેન ઝીણીયાની નાકની નથની,મોબાઈલ ફોન અને ચાર્જર પરિવારને મળ્યા નથી. જશુબહેનના દિયર પ્રાગજીભાઈએ જંણાવ્યું હતું કે,મારા ભાભીના દાગીના,મોબાઈલ અને ચાર્જર અમને મળ્યા નથી. આ અંગે અમે કોર્પોરેટર જગદીશભાઈને જાણ કરી છે.