અમદાવાદના હાઇપ્રોફાઇલ કેસ ગણાય તેવા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવા મામલે હવે એક મહત્વના સામાચાર સામે આવ્યા છે. વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલનો પતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી ગયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમને બન્નેને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે, વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે વૃષ્ટિ અને શિવમના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓ સાંસારિક જીવનથી કંટાળી ગયા હતા અને સન્યાસના માર્ગે હિમાલયનો આધ્યાત્મિક પ્રવાસ કરવા નીકળ્યા હતા. હાલ એવી માહિતી પણ સામે આવી છે કે અમદાવાદમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી વૃષ્ટિની શોધમાં ઑસ્ટ્રેલિયાની એક આધ્યાત્મિક ગુરૂ પણ જોડાઈ હતી. ઑસ્ટ્રેલિયન સ્પીરીચ્યૂઅલ હિલર ઓડેટ્ટે લિંટન વૃષ્ટીને શોધવા માટે અપીલ કરી હતી. લિંટનનો દાવો છે કે વૃષ્ટી તેની ક્લાઇન્ટ હતી અને તેની પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે અવારનવાર સંપર્ક કરતી હતી.
આ સમગ્ર મામલાને જોતાં વૃષ્ટી અને શિવમનું રટણ સાચું હોય તેવું પણ લાગે છે. જોકે, આખરે તેમણે આવું પગલું શા માટે લીધું તે તો પોલીસ તપાસમાં જ જાણી શકાશે.
બીજી બાજુ આ કેસમાં જાણવા મળ્યું હતું કે, વૃષ્ટી અને શિવમ અમદાવાદથી નીકળી મહેસાણાના ઉવારસદ ગયા હતા, જ્યાંથી તેઓ મધ્ય પ્રદેશ થઈ અને થોડા દિવસો કાશ્મીરમાં રહ્યા હતા. કાશ્મીરથી નીકળી તેઓ અરૂણાચલ પ્રદેશ ગયા હતા અને અરૂણાચલ પ્રદેશથી અંતે કુલ્લુ આવ્યા હતા. હવે પોલીસ બંનેને અમદાવાદ લઈ અને પૂછપરછ કરે પછી જ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાઈ શકે છે.