આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં એરહોસ્ટેલનું સ્વપ્ન સેવતી યુવતીને ધોળાદિવસે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને શાહી હજૂ સૂકાઇ પણ નથી ત્યાં અમદાવાદમાં એક યુવતીને એકતરફી પ્રેમમાં પાગલ રોમિયો હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનની અને હાલ નિકોલમાં રહેતી 18 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. માતા પિતા નોકરી કરે છે જ્યારે નાનો ભાઈ ધો.9માં અભ્યાસ કરે છે. બપોરની શિફ્ટમાં આ યુવતી નિકોલ ડીમાર્ટમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ગઈકાલે આ યુવતી કેન્ટીનમાં નાસ્તો કરવા ગઈ ત્યારે તેના જ ફ્લેટમાં રહેતો એક યુવક યુવતીના નોકરીના સ્થળે પહોંચી ગયો હતો.
યુવકે યુવતીને બોલાવવાની કોશિશ કરી હતી, પરંતુ શરમના મારે યુવતીએ યુવક સાથે વાત કરી નહોતી, જે યુવકને ગમ્યું નહોતું. ત્યારબાદ યુવતીનો હાથ પકડીને કહ્યું કે, તું કેમ મારી સાથે બોલતી નથી? કેમ નોકરી કરે છે. આવું કહીને લાફો મારી દીધો હતો. લોકો યુવતીની મદદે આવી ગયા અને આ યુવકને તગેડી મુકતા તેણે જોરજોરથી બુમો પાડીને યુવતીને કહ્યું કે બહાર નિકળીશ તો એસિડ છાંટીને મારી નાંખીશ.