અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. રોજબરોજ પોઝિટિવના કેસ માં વધારો જોવા મડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરીને ક્લસ્ટરિંગ કરાઈ રહ્યું છે. પરંતુ હવે સ્થાનિક મ્યુનિ. અને પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર લોકડાઉનના ચુસ્ત અમલ અને ઘરે-ઘરે મેગા સર્વે કરીને લોકોનું ટેસ્ટિંગ કરવાનો છે. આ બંને બાબતોમાં લોકો સહકાર આપી રહ્યા નથી. અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરા પણ કબૂલી ચૂક્યા છે કે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોને હાથ જોડવા પડે છે. જ્યારે પોલીસને પણ લોકડાઉનના ચુસ્ત અમલ માટે રીતસર સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
આ સ્થિતિને જોતાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવી હોય તો હવે રાજ્યની શેરીઓમાં મિલિટ્રી ઉતારવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે. અત્યારે કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદના દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, વડોદરાના નાગરવાડા-સૈયદવાડા, રાજકોટના જંગલેશ્વર અને સુરતના રાંદેર વિસ્તારને લોક કરી દેવાયા છે. પરંતુ આનાથી સમસ્યા અટકતી નથી. આ વિસ્તારો અત્યંત ગીચ અને શેરીઓવાળા છે. અંદરના રસ્તાઓ અને શેરીઓમાં લોકો બેરોકટોક આંટાફેરા કરી રહ્યા છે અને પોલીસ અંદર જઈને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવી શકતી નથી. બીજીતરફ લોકો પણ પોતાની શેરીઓમાં પોલીસને ગાંઠતા નથી અને સમૂહમાં નમાઝ પઢે છે તેમજ ટોળા-ટપ્પા કરે છે કે નાસ્તા-પાણીની પાર્ટીઓ કરે છે. ખુદ અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરા ગુરુવારે કબૂલી ચૂક્યા છે કે, કોટ વિસ્તારમાં કોરોના શંકાસ્પદોને ટેસ્ટ કરાવવા અમારે રીતસર કાલાવાલા કરવા પડે છે. મ્યુનિ. હેલ્થ વર્કર્સ અને સ્ટાફ લોકો પાસે જાય તો ટેસ્ટ કરાવવા તેઓ તૈયાર થતા જ નથી. તેમનો સ્ટાફ લોકોને હાથ જોડીને કરગરે તો સામે લોકો અપશબ્દો બોલે છે. આ રીતે મેગા સર્વે કરવામાં મ્યુનિ. સ્ટાફને રીતસર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. હેલ્થ વર્કરો પોતાનો જીવ જોખમમાં મૂકીને ટેસ્ટિંગ કરવા જતા હોય ત્યારે તેમણે આવી અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે તે વાજબી નથી.