[slideshow_deploy id=’36100′]અમદાવાદઃફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ ફાર્મા શિક્ષણ તેમજ ફાર્મસીના વ્યવસાયની ઝડપથી પ્રગતિ થાય તેના માટે હરણફાળ ભરવા અનેક પગલાં લેવાનું આયોજન કર્યું છે. ઉદ્યોગજગતની લેટેસ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના કાઉન્સિલે ઘડી છે. ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પદાર્પણ કરીને આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણની તમામ બાબતો ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશે આજે અહીં આ માહિતી આપી હતી.
તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં ફાર્મસી કૉલેજોના પ્રિન્સીપાલો અને ડિરેક્ટરો તેમજ મેડિકલ સ્ટોરના સંગઠનોના પ્રતિનિધિઓ તથા ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ચર્ચાવિચારણા કરી હતી. તેમણે ફાર્મસી શિક્ષણ તથા ફાર્માસીસ્ટોની સમસ્યાઓ અને પડકારો વિશે જાણકારી મેળવીને વિગતવાર વિચારવિમર્શ કર્યો હતો.
તેમણે એવું વચન આપ્યું હતું કે કાઉન્સિલ ફક્ત રેગ્યુલેટરની ભૂમિકા ભજવવા ઉપરાંત હવે ફાર્મસી શિક્ષણ તેમજ ફાર્માસીસ્ટોના કલ્યાણ માટે પણ પગલાં લેશે. અલબત્ત ઈન્સ્પેક્શનો અને મંજૂરીની પ્રક્રિયાઓ યથાવત્ રખાશે, તેની સાથોસાથ સ્વયંશિસ્ત પર પણ ભાર મૂકવામાં આવશે. ફાર્માસીસ્ટો ઉદ્યોગજગતની છેલ્લામાં છેલ્લી હલચલથી વાકેફ રહે તેના માટે રિફ્રેશર કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.