અમદાવાદ : અમદાવાદમાં પોલીસતંત્ર દ્વારા અવારનવાર સબ સલામતીના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ લોકડાઉન સમયથી શહેરમાં ચોરી, લૂંટ, ધાડ, ખૂન, મારામારી, ખંડણી, દુષ્કર્મ જેવા ગુનાઓ વધુ પ્રમાણમાં પોલીસનાં ચોપડે નોંધાતા સબ સલામતીના દાવા ક્યાંકને ક્યાંક પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.
અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનહર પરમારે પોતાનું બાઈક પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કર્યો હતો, જેની ઉઠાંતરી કરી ચોરો છુમંતર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે ધોળકા ખાતે રહેતા અને અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનહર પરમાર ગત 28 જુલાઈનાં નાઇટ ડ્યૂટી હોય પોતાનું બાઈક રાત્રે પોલીસ સ્ટેશન બહાર પાર્ક કરી પોતાની ફરજ પર હાજર થયો હતો. સવારે નોકરી પુરી કરી ઘર જતા પોતાનું સ્પલેન્ડર બાઈક ચેક કરતા પાર્ક કરેલી જગ્યાએ મળી નાં આવતા શોધખોળ શરુ કરી હતી. ઘણા દિવસ વાહન શોધવા પ્રયત્ન કર્યો છતાં પોતાનું સ્પલેન્ડર બાઈક ન મળી આવતા છેલ્લે પોતે જ્યાં ફરજ બજાવે છે તેજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી થવાની ફરિયાદ લખાવી છે.
હજુ ગઈકાલે જ અમદાવાદનાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆરડી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રી પરમાર નું રખિયાલ માં ધોળાદિવસે ચેઇનસ્નેચિંગ થયું હતું. કોઈ અજાણ્યા બે બાઈક સવારો ધુમ સ્ટાઇલમાં આવી એક્ટિવા ઉપર જતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રી પરમારનાં ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મહિલા પોલીસકર્મી બહેન પોતાના એકટીવા ઉપરથી નીચે પટકાઈ જતા તેમના હાથ અને મોઢાનાં ભાગે ઈજાઓ પણ થઈ હતી.
અમદાવાદમાં દિવસે ને દિવસે વધી રહેલી ગુનાખોરીનાં કારણે શહેરના નાગરિકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો છે. માથાભારે શખ્સો અને ચોરોનો આતંક હવે હદ વટાવી રહ્યો છે, શહેરમાં વધી રહેલા ગુનાઓનો ગ્રાફ લોકોનાં જહેનમાં ડર ની દસ્તક ફેલાવી રહ્યો છે. સ્વાભાવિક છે કે જયારે પોલીસ પોતે સલામત નથી તો પછી સામાન્ય નાગરિકો કઈ રીતે સલામત હોય શકે? માથાભારે શખ્સો અમદાવાદમાં ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા નથી ખચ-ખચાઈ રહ્યા તો બીજીતરફ ચોરો સામાન્ય નાગરિકોની સાથે સાથે પોલીસને પણ લૂંટતા નથી ડરતા હોય ત્યારે નાગરિકોમાં ડરની લાગણી પ્રસરે તેમા કોઈ નવાઈ નથી.
હાલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનહર પરમારની બાઈક ચોરી થવાની ફરિયાદ નાં આધારે એલિસબ્રિજ પોલીસે પોલીસ સ્ટેશનનાં અને આજુબાજુનાં સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી પોલીસ કોન્સ્ટેબલની બાઈક ચોરી જનારા ચોરોને જલ્દીથી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.