અમદાવાદ શહેર પછીની ખંભાતના દરિયા સુધી મળતી 120 કિ.મી. લાંબી સાબરમતી નદીના બન્ને કાંઠે 10 કિ.મી. અંદર સુધી આવેલા 2.40થી 2.60 લાખ હેક્ટર ખેતરોમાં પાકતું અનાજ, શાકભાજી, ફળ અમદાવાદના લોકો ખાઈ રહ્યાં છે. તે કેમિકલ યુક્ત પાણીમાં પાકતાં હોવાથી તેમાં અત્યંત ઝેરી એવા હેવી મેટલ નિકળતાં હોવાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. આવું કેમિકલ્સ યુક્ત પાણી વાપરવાનું છેલ્લાં 40 વર્ષથી થઈ રહ્યું છે. જેની માત્રા દર વર્ષે વધતી જાય છે. કુવાઓમાં પાણીના પ્રદૂષણને સમજવા અને તેમાં ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD છે. તેની માત્રા 2225 Mg/L સુધી મળે છે. જે ખરેખર ખેતરના કુવામાં 0 Mg/L હોવી જોઈએ
ઉદ્યોગના એન્ફ્યુએન્ટ પ્લાંટમાં તેના પર પ્રક્રિયા થયા પછી 250 Mg/L થી વધું ન હોવી જોઈએ. પણ અમદાવાદના 2 હજારથી વધું ઉદ્યોગ અનાજ અને ખેતર બરબાદ કરી રહ્યાં છે. જેના કારણે 2 લાખ હેક્ટર જમીન પર મોટો ખતરો ઊભો થયો છે. અહીં પાકતું શાક અને અનાજ 40 લાખ લોકો સુધી પહોંચે છે. લોકોને ખબર પણ નથી હોતી કે તેઓ કિમિકલ્સ યુક્ત ઝેરી પાણીથી પકવેલા શાક ખાઈ રહ્યાં છે.
સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) અને બીઓડી (બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ)ની માત્રા નિયત હદ કરતા ખૂબ વધુ પ્રમાણમાં મળી આવી છે. તમામ કુવાઓના પાણી લાલ, કાળા કે એવા રંગના થઇ ગયા છે. અમદાવાદ પછીની 120 કિ.મી. લાંબી સાબરમતી નદી મૃત અવસ્થામાં આવી ગઈ છે.
12 માર્ચ 2019ના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાંત અધિકારી તુષાર શાહ અને નેહલ અજમેરા તેમજ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંત, અમદાવાદના સામાજિક કાર્યકર મુદિતા વિદ્રોહી તથા ગુજરાત વડી અદાલતના વકીલ સુબોધ પરમારે સાથે મળીને સાબરમતી નદીની તપાસ કરી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આવી તપાસ કરવામાં આવી ત્યારે ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હતું. જેના ખતરનાક પરિણામ બહાર આવ્યા છે. અમદાવાદના ઉદ્યોગો પ્રદૂષિત પાણી ટ્રીટ કર્યા વગર નદીમાં છોડી દે છે. વખાના માર્યા ખેડૂતો તે પાણીથી અનાજ પકવે છે.
અમદાવાદ શહેરમાં રિવરફ્રંટના કાંઠે વહી રહેલી સાબરમતી અને ત્યાર પછીની સાબરમતી નદી બન્ને સ્વર્ગ અને નરક જેવી લાગે છે. રિવરફ્રન્ટ પહેલા કે પછી નદીના નીચાવાસમાં નદીનું પોતાનું બિલકુલ પાણી જ નથી. રીવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે તે નરોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોનું એફ્લ્યુએન્ટ અને આખા અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે.
ઉદ્યોગો જેઓ પોતાના કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી કચરાને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતાના પ્રદુષિત ગંદા ગટરના પાણીને ટ્રીટમેન્ટ કાર્ય વગર અથવા ખૂબ નબળી ટ્રીટમેન્ટ કરીને સાબરમતી નદીમાં છોડી દે છે. જો આવું કરે તો દેશની સર્વોચ્ચ ગ્રીન ટ્રીબ્યનલે આપેલા ચૂકાદા પ્રમાણે ઉદ્યોગો બંધ કરાવી શકાય છે.
સાબરમતી નદીની ભયંકર ખરાબ, નિરાશા ઉપજાવે તેવી સ્થિતિ છે. અમદાવાદના લોકો, સાબરમતી નદીની આસપાસ રહેતાં લોકો રોજ પાણીનો વપરાશ કરે છે તેમના માટે અતિગંભીર બાબત છે.
ખેતી, પર્યાવરણ અને મનુષ્યો ઉપર ઊભા થતા ગંભીર ખતરો છે. ભૂગર્ભજળ ઝેરી બનતા જઈ રહ્યા છે. ખોરાક જે અનાજ, શાકભાજી વાટે લોકો સુધી પહોંચે છે, તે ખોરાક ઝેરી બનતા જઈ રહ્યો છે અને સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. નદીની આસપાસની પ્રાકૃતિક જીવસૃષ્ટિનો સર્વનાશ, સતત નીચે જઈ રહેલું ભૂગર્ભજળ, પાણીનું જમીનમાં રીચાર્જનું અટકવું અને પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ વગેરે મુખ્ય છે. આ તપાસ અહેવાલ જોતાં તત્કાલ અસરથી આ પરિસ્થિતિને સુધારવા માટે સાબરમતી નદીને ફરીથી જીવતી કરી શકાય અને તેના પાણીની ગુણવત્તા સુધારી શકાય તેમ છે.