ઍરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે, અમદાવાદ રોશનીમાં ઝળાહળા બન્યું, સીદી સૈયદની જાળી સહિત ઐતિહાસિક સ્થાપત્યોને રોશનીથી શણગારાયાં .
આજે અમદાવાદ પધારી રહેલા જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઍરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી ઇન્ડિયન કલ્ચરલ રોડ-શો યોજાશે. આ રોડ-શો દરમ્યાન લાખો નાગરિકો રોડની સાઇડમાં ઊભા રહીને મહાનુભાવોને આવકારશે.
આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી રહેલા શિન્ઝો આબે આ બે દિવસ અમદાવાદમાં રોકાશે. આજે બપોરે તેઓ અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી તેઓ નરેન્દ્ર મોદી સાથે વિશ્વપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવા રવાના થશે. એ દરમ્યાન ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ઇન્ડિયન કલ્ચરલ રોડ-શો યોજાશે જેમાં ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રસ્તામાં ઠેર-ઠેર ૪૮ જેટલાં નાનાં સ્ટેજ પર જુદા-જુદા વિસ્તારોના કલાકારો ગરબા અને નૃત્યો સહિતની કલ્ચરલ ઍક્ટિવિટીનો રંગારંગ કાર્યક્રમ રજૂ કરતા જોવા મળશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
ઇન્ડિયન કલ્ચરલ રોડ-શોમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના પ્રાંતના કલાકારો તેમની ભાતીગળ વેશભૂષામાં પર્ફોર્મન્સ કરશે. ૧૨ મોટાં અને ૧૮ નાનાં સ્ટેજ પર ભાતીગળ ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. સ્કૂલના વિદ્યાર્થીઓ
સ્કૂલ-બૅન્ડ અને વેશભૂષા દ્વારા મહાનુભાવોને વેલકમ કરશે. આ ઉપરાંત સુભાષ બ્રિજથી અભય ઘાટ સુધી ૧૨૦૦ બાળાઓ કળશ લઈને ભારત અને જપાનના ધ્વજ તથા શ્રીફળ સાથે મહાનુભાવોને આવકારશે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે જપાનની સરકાર ૦.૧ ટકાના દરે ૮૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન ૫૦ વર્ષ માટે આપશે.
ગાંધી આશ્રમમાં આ બન્ને મહાનુભાવો થોડો સમય રોકાશે અને ગાંધીબાપુના જીવનદર્શનને નિકટતાથી નિહાળશે. સાંજે બન્ને વડા પ્રધાનો અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ સીદી સૈયદની જાળી સ્થાપત્યની મુલાકાત લેશે. ત્યાર બાદ અગાશીએ હોટેલમાં ડિનર યોજાશે જેમાં મહેમાનોને ખાસ ગુજરાતી થાળી પીરસવામાં આવશે. ડિનર બાદ બન્ને વડા પ્રધાનો વચ્ચે બેઠક યોજાશે.
ભારત અને જપાનના વડા પ્રધાનો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના સન્માનમાં અમદાવાદમાં સીદી સૈયદની જાળી, વીજળીઘર, સાબરમતી રિવરફ્રન્ટ, તમામ બ્રિજ, ટાઉનહૉલ, ઝાંસીની રાણીનું સ્ટૅચ્યુ તેમ જ અન્ય ઐતિહાસિક સ્થાપત્યોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. રોશનીથી ઝગમગતા અમદાવાદ શહેરનો નજારો અલગ જણાતો હતો અને નાગરિકો સિદ્દી સૈયદની જાળી સહિતનાં સ્થાપત્યો પર કરાયેલી રોશની જોવા ઊમટી પડ્યા હતા.
ચુસ્ત બંદોબસ્ત
જપાન અને ભારતના વડા પ્રધાન માટે ગાંધીનગરના ગુરુવારના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, ૬ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, ૩૫ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, ૭૦ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૧૫૦ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિત ૧૮૦૦ પોલીસનો કાફલો તહેનાત હશે. મહાત્મા મંદિરમાં ૩૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટીવી કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં સાબરમતી સ્ટેશન પાસે યોજાનારા બુલેટ ટ્રેન યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે પણ આવો જ પાકો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.