આતંકવાદી હુમલાને પગલે ગુજરાતભરમાં આજે લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો છે. ત્યારે કાલુપુર વિસ્તારના એક ચા વાળાએ બંધ નહીં પાળીને શહિદોના પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે ક પ્રધાનમંત્રી મોદી પણ ચાવાળા હતા અને આજે એક ચાવાળો શહીદોના પરિવારને મદદ કરવા આવી રીતે આગળ આવ્યો છે.
અમદાવાદના 48 વર્ષીય લલિત વ્યાસ છેલ્લા ૩૦ વર્ષથી કાલુપુરના સાંકર બજારમાં સાયકલ ઉપર ચાની ફેરી કરે છે. દિવસભરની તનતોડ મહેનત પછી જે કમાણી થાય છે. તેમાંથી તેમનું , પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવે છે.
લલિત વ્યાસ કહે છે કે ‘આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દેશભરના નાગરિકો મદદ કરી રહ્યા છે. આ વાત જાણી મને પણ મદદ કરવાની ઈચ્છા થઈ છે.
પરંતુ મારી આર્થિક સ્થિતિ બહુ સારી નથી. આથી જ મેં મારી આજની એક દિવસની કમાણી શહીદોના પરિવારને આપવાનું નક્કી કર્યું છે. શુક્રવારે ભલે બજારો બંધ છે, પણ મેં આજે મારો ધંધો ચાલુ રાખ્યો છે. આજની મારી સંપૂર્ણ કમાણી હું શહીદોની મદદ માટેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીશ.
હું અહીં વર્ષોથી ચા વેચું છું. આથી ઘણાં જુના ગ્રાહકોને ઉધારમાં ચા આપું છું. પરંતુ આજે તમામ ધંધો રોકડમાં કરી મારાં થઈ બનતી મદદ શહીદોના પરિવારોને કરીશ. એ જ શહીદોને મારી સાચી શ્રદ્ધાંજલિ છે.