ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ આરટીઓમાં એજન્ટો સામે લાંચિયા અધિકારીઓ મજબૂર બની જતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સપ્તાહ અગાઉ ખૂદ આરટીઓએ પરમીટ બ્રાંચમાં ગેરકાયદે કામગીરી કરતા ૧૪ એજન્ટોને રંગે હાથ પકડયા હતા. લાંબો સમય ચેમ્બરમાં બેસાડી રાખીને કેસ કરવાના બદલે છાવરવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીનગરથી દબાણ આવ્યા બાદ ગુનો નોધીને દેખાડો કરવા અલગ અલગ બ્રાંચના કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું આરટીઓ કચેરીમાં ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાતની આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા પર પ્રતિબંધ છે તેમ છતાં અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કચેરી સહિત રાજ્યની તમામ આરટીઓ કચેરીમા લાંચિયા અધિકારીઓ અને એજન્ટોની મીલી ભગતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અમદાવાદ આરટીઓમાં અગાઉ ગાંધીનગર હેડ ઓફિસના આદેશથી અવાર નવાર એજન્ટોને પકડીને તેમની સામે ગુના નોધવામાં આવ્યા હતા. ત્યારબાદ આરટીઓ કચેરીમાં લાઇસન્સ સહિતની કામગીરી કરવા આવતા અરજદારોની ખાતરી કર્યા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કરીને આરટીઓ કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે.
ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડમાં બમણો વધારો કરવામાં આવતા બહાર ગામ લઇ જવાતી ટ્રાવેલ્સ સહિતની ગાડીઓને લગતી કામગીરી ઝડપી કરવા માટે એજન્ટો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદની સુભાષબ્રિજ સ્થિત આરટીઓ કચેરીમાં આજની તારીખે માડી રાત સુધી એજન્ટો પરમીટ બ્રાંચમાં ગાડીઓની પરમીટને લગતી કામગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી ગત તા. ૨૬ના રોજ અમદાવાદા આરટીઓ બી.વી.લિંબાચાયાએ અચાનક ચેકિંગ હાથ ધરતાં પરમીટ બ્રાંચમાં ગેર કાયદે કામગીરી કરતા ૧૪થી વધુ એજન્ટો પકડાયા હતા. જો કે અધિકારીઓ આ મામલાને દબાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા.
પરંતુ અમદાવાદ આરટીઓ અધિકારીઓ એજન્ટો અને કર્મચારીઓને છાવરી રહ્યા હોવાનો જાણ ગાંધીનગર હેડ ઓફિસમાં થતાં ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ ૧૨ એજન્ટો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાંઆવી હતી. ફરિયાદમાં શાહપુર બહાઇ સેન્ટર કમર ફ્લેટમાં રહેતા સેહબાઝ સાબીરભાઇ શેખ અને નરોડામાં રહેતા ગોવિંદભાઇ.પી.સરદાર, રખીયાલમાં રહેતા મુસીર મહંમદ સૈયદ તથા આસીત ઉર્ફે આશીષ.એ. શાહ, પ્રણવ રમેશચન્દ્ર પટેલ સહિત ૧૨ લોકોનો સમાવેશ થાય છે . આરટીઆમાં ફરજ બજાવતા એક હેડ ક્લાર્કના ઇશારે અલગ અલગ વિભાગના ક્લાર્કની બદલીઓ કરવામાં આવી છે. જો કે તેમના સ્થાને એજન્ટો સાથે સાંઠગાંઠ ધરવતા ક્લાર્કને મુકવામાં આવ્યા હોવાનું આરટીઓ કચેરીમાં ચર્ચાઇ રહ્યું છે.