સરકારી શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ અત્યારે પોતાની પગારની ચિંતામાં છે. અમદાવાદ શહેરની સરકારી શાળાઓના લગભગ 10,000 જેટલા કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનામાં પગાર નથી મળ્યો. અમદાવાદ સિટી વહીવટી સંઘના સભ્યોનું કહેવું છે કે, આ પહેલી વાર બન્યું છે કે મહિનાની સાતમી તારીખ સુધી સેલરી જમા નથી થઈ. દર મહિને લગભગ 3 તારીખ સુધીમાં પગાર જમા થઈ જતો હોય છે.
અમદાવાદ શહેર વહિવટી સંઘના સભ્યોએ આ બાબતે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર(DEO)ની મુલાકાત લીધી હતી. તેમની ફરિયાદ હતી કે, શિક્ષકો હોય કે અન્ય કર્મચારી હોય, દરેકના માથે લોન અને ઘરની અન્ય જવાબદારીઓ હોય છે. અમને મહિનાની ત્રીજી તારીખે પગાર મળી જાય છે.
આ સંઘના પ્રેસિડન્ટ જણાવે છે કે, જાન્યુઆરીમાં અમને ચોથી તારીખે પગાર મળ્યો હતો. પરંતુ આ વખતે 7મી તારીખ થઈ ગઈ અને હજી સુધી પગાર નથી મળ્યો.