અમદાવાદની તમામ મ્યુનિ. તેમજ ખાનગી શાળાઓમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ ચાલાવાઇ રહ્યો છે. જેમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છેકે હૃદય રોગના 346 , કીડનીની ગંભીર બીમારી ધરાવતા 194, કેન્સરથી 33 બાળકો પીડાઇ રહ્યા છે. આ તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં ચાલુ વર્ષે તા. 25-11-2019થી માંડીને 31-1-2020 સુધી બાળકોની આરોગ્ય તપાસ અને સારવારનો કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમમાં 74 અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા તથા રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના સ્ટાફ દ્વારા મળીને 170 ટીમો બનાવાઇ છે.
જેના થકી સ્કૂલ તથા સંસ્થાઓમાં જઇને આરોગ્ય તપાસણી હાથ ધરાઇ છે. 2,860 આંગણવાડી, 505 સરકારી શાળા, 2,023 ખાનગી શાળા, 6 આશ્રમ શાળા, 1 કસ્તૂરબા આશ્રમ શાળા, 5 અનાથાશ્રમ, 15 વિકલાંગ અંધજન શાળા, 2 ચિલ્ડ્રન હોમ, 27 મદ્રેસા, 4 કેન્દ્રિય વિદ્યાલય તેમજ 3 અન્ય શાળાઓના 12.50.496 બાળકોની તપાસ કરાશે. જેમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, પેરા મેડિકલ સ્ટાફ તથા આરબીએસકે ના તમામ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તા.28 ડિસેમ્બર સુધીમાં 5.87 લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસણી થઇ ચૂકી છે. જેમાં આંખ, દાંત, ચામડી, કાન, નાક, ગળાના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તપાસમાં આવ્યા છે. આરોગ્ય તપાસણીનો આ કાર્યક્રમ હજુ એક માસ સુધી ચાલશે. અત્યાર સુધીમાં તપાસમાં 41 બાળકો થેલેસેમિયાની બીમારી વાળા જોવા મળ્યા છે. આ બળકોની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.