આજે ગુજરાત રાજ્યના પ૮મા સ્થાપનાદિન નિમિત્તે રાજ્યવ્યાપી ‘સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ અભિયાન’નો પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી જળસંગ્રહ અભિયાન યોજનાનો પ્રારંભ ભરૂચ ખાતેના કોસમડીથી કરાવ્યો હતો, સાથે-સાથે શુકલતીર્થ ખાતે નર્મદા નદીના સફાઇ અભિયાનનો પણ આરંભ કરાવ્યો હતો.
ગુજરાત સ્થાપનાદિનની રાજ્યકક્ષાની ઉજવણી આજે ભરૂચ ખાતે કરવામાં આવી હતી. નર્મદાનાં વહી જતાં નીરને ભાડભૂત બેરેજમાં રોકીને અનેક વિસ્તાર સુધી પહોંચાડવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ આજે મુખ્યપ્રધાન અને અન્ય રાજકીય આગેવાનોની હાજરીમાં થયું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ૧૯૬૦માં ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે પાણીની તંગી હતી.
૧૩,૦૦૦ તળાવ-ચેકડેમ-જળાશય ઊંડાં કરવા સાથે પરંપરાગત જળસ્રોતમાં નવીનીકરણ કરાશે. ૧૧ લાખ ઘનફૂટ વરસાદી પાણીનો સંગ્રહ કરાશે, તેમાં ૪,૦૦૦થી વધુ જેસીબી અને ૮,૦૦૦થી વધુ ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ કરાશે. એક મહિનો એટલે કે ૩૧ મે સુધી જળ અભિયાનની કામગીરી ચાલશે.
આ યોજના હેઠળ ૩૦ જિલ્લાની ૩૪૦ કિલોમીટરની લંબાઇ ધરાવતી ૩ર નદીને પુનઃજીવિત કરાશે. સાથે-સાથે પ૪૦૦ કિલોમીટર લંબાઇની નહેરની સફાઇ અને મરામત થશે અને પ૦૦ કિલોમીટર લંબાઇના કાંસની સફાઇ થશે.
જળસંચયનાં ૧૦,પ૭૦ કામ મનરેગા યોજના હેઠળ થશે. આ એક મહિનાના અભિયાન પર નજર રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાઇ છે. આ અભિયાનમાં સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મદદ લેવાશે.