કોંગ્રેસ વર્કીંગ કમીટીના મેમ્બર તારીક હમીદ કર્રાને ગુજરાતમાં અમદાવાદના એરપોર્ટ પર માઠો અનુભવ થયો હતો. મોડી રાત્રે તારીક કર્રા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા પરંતુ એક પણ કોંગ્રેસી તેમને સત્કારવા હાજર રહેલો દેખાયો ન હતો. જોકે, બાદમાં ખુલાસો કરવામાં આવ્યો કે તારીક કર્રાને કોંગ્રેસીઓ ઓળખતા ન હોવાથી તેમને તેડવા ગયેલા કોંગ્રેસીઓને તેઓ મળ્યા ન હતા.
આ ઘટના અંગે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે મામલા પર ઢાંકપિછોડો કરતાં એવું કહ્યું કે તારીક કર્રા આવ્યા તે સમયે કોંગ્રેસીઓ પણ એરપોર્ટ પર હાજર હતા પરંતુ તેમને ઓળખતા ન હોવાથી કોંગ્રેસના કાર્યકરો તેમને ઓળખી શકયા નહીં. આ ઉપરાંત શૈલેષ પરમારે મીડિયાને પણ બાઈટ લેવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
મહત્વની વાત એ છેકે એરપોર્ટ પર કોંગ્રેસના કોઈ નેતા કે કાર્યકર નહીં દેખાતા તારીક કર્રાએ અપમાનિત દશામાં મૂકાઈ જવું પડ્યું હતું. તેઓ પ્રાઈવેટ ટેક્સી કરીને રોષપૂર્વક એરપોર્ટ પરથી રવાના થયા હતા. આ ઉપરાંત તારીક કર્રાને લેવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્ય શૈલેષ પરમારના મામલાને દબાવવના પ્રયાસો નિરર્થક પુરવાર થયા હોવાનું વિદિત થઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતાઓન અંગે પ્રોટોકોલ મંત્રીઓ અને અન્ય નેતાઓ વચ્ચે સીધી રીતે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.