હવે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતી અને તેના સાથીઓએ ભેગા મળી હનીટ્રેપમાં ફસાવી દીધાં હતાં. 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને 20 લાખમાં પતાવટ કરી હતી. વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો. જોકે આ કેસમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સમગ્ર બનાવ આનંદનગર પોલીસે નકલી પોલીસ પકડ્યા બાદ સેટેલાઇટ પોલીસે વેપારીને બોલાવી ફરિયાદ નોંધી છે. બોપલ આંબલી રોડ પર રહેતા 41 વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે. અગિયારેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. જોકે ચારેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. વેપારીએ તાજેતરમાં જ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
બાદમાં તેઓને જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પરના ખેતલા આપા ટી સ્ટોલ પર મળ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી વૈષ્ણોવદેવી ખાતે આવેલા ફ્લેટમાં લઈ ગઈ હતી. વૈષ્ણોવદેવી ખાતેના ફ્લેટ પર પહોચી વાતો કર્યા બાદ જાનવીએ પોતાનું ટોપ ઉતાર્યુંને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું હતું. ત્યારે ત્રણ લોકો ફ્લેટમાં ઘુસી આવ્યાને જાનવી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ જાનવીને લઈને નીકળી ગયો હતો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. આ મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ધમકી આપી હોવાની, ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.