ગુજરાતમાં શિયાળાએ આખરે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાંથી જ્યાં સૌથી વધુ ઠંડી નોંધાય છે તે નલિયામાં એક જ દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી ઘટી ગયું હતું અને 8.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં પણ એક દિવસમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટી જતાં 14.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે ફૂંકાતાં ઠંડા પવનથી શિયાળાનો આખરે પ્રારંભ થયો હોવાનો અહેસાસ થયો હતો. ભેજનું પ્રમાણ સવારે 8:30ના 64% જ્યારે સાંજે 5:30ના 50% નોંધાયું હતું. આમ, અમદાવાદમાં સામાન્યની સરખામણીએ સરેરાશ લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસૃથાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી તરફ નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઘટીને 8.2 ડિગ્રી રહ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં નલિયામાં ડિસેમ્બરમાં કમસેકમ એકવાર ઠંડીનો પારો 6 ડિગ્રીથી નીચે ગયો છે. જેમાં ગત વર્ષે 20 ડિસેમ્બરે 4.4 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી.
શનિવારે રાત્રે 8:30થી રવિવારે સવારે 8:30 દરમિયાન રાજ્યના 11 શહેરમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં ડીસામાં 12.5, રાજકોટ-ભૂજમાં 13.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હવે ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે અને તેના પગલે ઠંડીમાં વધારો થયો છે. આગામી ત્રણ દિવસમાં પારો બે-ત્રણ ડિગ્રી ઘટી શકે છે.