કોરોના વાયરસના પગલે અમદાવાદ રેલવે સ્ટેશને આજે શુક્રવારથી 24 કલાક માટે ‘થર્મલ સ્કિર્નિંગ ગન‘ દ્વારા મુસાફરોનું સ્કેનિંગ કરવાનું શરૂ કરાશે. જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેવા મુસાફરોની વહિવટીતંત્રને જાણ કરીને તેઓનું મેડિકલ ચેકઅપ કરાવાશે. બીજી બાજુ રેલવે સ્ટેશનો પર ભીડને કાબૂમાં લેવા માટે રેલવે બોર્ડ દ્વારા તા.20 માર્ચથી જ વિદ્યાર્થી, દર્દીઓ અને દિવ્યાંગોને બાદ કરતા બાકીના તમામ કન્સેશન (ટિકિટના દરમાં મળતી છૂટછાટો આપવાનું ) રદ કરી દેવાયા છે. અમદાવાદ વિભાગમાં છેલ્લા પાંચ દિવસમાં ટ્રેનની ટિકિટનું બુકિંગ 70% સુધી ઘટી ગયું છે. અમદાવાદ સાંજે થંભી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી થર્મલ સ્કિર્નિંગ ગન દ્વારા મુસાફરોના શરીરના તાપમાનની ચકાસણી કરાશે. આ માટે પ્લેટફોર્મ નંબર 1 પર હેલ્પડેસ્ક ખોલાશે. જેમાં એનાઉન્સમેન્ટ દ્વારા તેમજ ડિસપ્લે બોર્ડ દ્વારા આ અંગેની મુસાફરોને જાણકારી અપાશે. આ અંગે અમદાવાદ વિભાગના રેલવેના પીઆરઓ પ્રદીપ શર્મના જણાવ્યા મુજબ અમદાવાદથી રોજની 200 જેટલી ટ્રેનો પસાર થાય છે. હાલમાં કોરોના વાયરસના કારણે સાવચેતી જરૂરી છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર સતત 24 કલાક માટે ડૉક્ટરોની ટીમ ખડેપગે રાખીને તાવ, શરદી વાળા દર્દીઓનું સ્કેનિંગ કરાશે. જે મુસાફરને આવી તકલીફો જણાય તેઓ આ હેલ્પ ડેસ્ક પર આવીને ચેક કરાવી શકે છે. અને જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.