અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ છૂટાછેડા લઈને મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકા સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તે ગર્ભવતી થઈ હતી. પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે તુછ વર્તન કરીને મહિલા પર આક્ષેપ કર્યો કે તેના અનેક પુરુષો સાથે સબંધ હોઈ શકે છે, જેથી આ બાળક તેનું નથી. મેમનગરમાં રહેતી 33 વર્ષીય મહિલા હાલ તેની માતા સાથે રહે છે. વર્ષ 2012માં મણીનગર ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. પણ મનમેળ ન બેસતા બે વર્ષ પહેલા તેણીએ છૂટાછેડા લીધા હતા. 10 વર્ષ પહેલા એક યુવક જોડે તેની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતા પરંતુ યુવતીના લગ્ન થઈ જતા તેણે તે યુવક સાથેના સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું.
યુવક પણ પરિણીત હતો અને તેને પણ બાળકો હતા. પ્રેમિકાના લગ્ન થઈ ગયા બાદ પણ તેણે તેની સાથે વાતો ચાલુ રાખી હતી. આખરે યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં વર્ષ 2020માં જાન્યુઆરી માસમાં યુવક રાત્રે યુવતીના પિયર જતો હતો. યુવતીની મનાઈ હોવા છતાં તે શારીરિક સંબંધ બાંધતો હતો અને આવું તેણે ઘણીવાર કર્યું હતું. બીજી તરફ બે ત્રણ માસથી યુવતીને માસિક ન આવતા તેણે ચેકઅપ કરાવ્યું હતું જેમાં તે ગર્ભવતી હોવાનું ખબર પડતાજ યુવતીએ યુવકને આ અંગે જાણ કરી તો યુવકે તેને જવાબ આપ્યો કે, “આ બાળક તેનું ન હોઈ શકે. તારે અનેક લોકો સાથે સબંધ હશે. જેથી બીજા કોઈનું બાળક હોઈ શકે છે.” આ વાત કહેતા જ યુવતીને મનમાં લાગી આવ્યું હતું. યુવતી આઘાતમાં આવી જતા તે વસ્ત્રાપુર લેક જતી રહી હતી. ત્યાં વસ્ત્રાપુરની શી ટીમ આ મહિલાને જોઈ જતા તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કરાવી આપતા યુવતીએ આ અંગે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.