અમદાવાદ: પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના પ્રશ્ને ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક મ્યુનિ. કમિશનર અને કોર્પોરેશનના હેલ્થ અને સોલિડવેસ્ટના અધિકારીઓ સાથે યોજાઈ હતી, જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે પ્લાસ્ટિકમાં પોતાના ઉત્પાદનો વેચતી કંપની પાસેથી જ તેમના ચીજવસ્તુના વપરાશ બાદ કચરામાં આવતા પ્લાસ્ટીકના નીકાલની રકમ તેમની પાસેથી જ વસુલવી જોઈએ. વારંવાર ટકોર કર્યા છતાં કંપનીઓ કોઈ ઠોસ કદમ નથી ઉપાડી રહી આમ આ બેઠકમાં શા કદમ ઉઠાવવા તે મહત્વનો મુદ્દો બની ગયો હતો.
ઠંડા પીણાંની ખાલી પ્લાસ્ટિકની બોટલો, દુધની ખાલી બોટલો, સોસની બોટલો સહિત ખાણીપીણી અને અન્ય ઘરેલું વપરાશની ચીજો પ્લાસ્ટિકનાં પેકિંગમાં આવે છે. જેના વેસ્ટના નીકાલમાં કે રિસાયકલ કરવામાં મ્યુનિ.એ ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ કઈ રીતે કંપનીઓ પાસેથી વસુલી શકાય તેમજ આરોગ્યને નુકશાનકારક હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગને કઈ રીતે રોકી શકાય તે મુદ્દા પર ચર્ચા થઈ હતી. ૫૦ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેનો અસરકારક અમલ જરૂરી હોવાનું પણ સૂચન થયું હતું.
આ સિવાય સેનેટરી નેપકીન અને બાળકોના ડાયપરના ઉપયોગમાં અને તેના નિકાલમાં આરોગ્ય સંબંધી કાળજી જરૂરી હોવાનું પણ ચર્ચાયું હતું. જો પ્લાસ્ટિક બેગમાં ભરીને ફેંકે તો ફરી પ્લાસ્ટિકના નીકાલનો પ્રશ્ન આવવાનો છે. તેમજ આ કમિટીના અધિકારીઓએ પીરાણાની ડમ્પીંગ સાઈટના કચરાના ડુંગર અને ત્યાં આવેલા કચરાના તેમજ પ્લાસ્ટિક રિસાયકલના એકમોની મુલાકાત લીધી હતી. સોલિડવેસ્ટ મેનેજમેન્ટ અને તેના પ્રશ્નો સંદર્ભે પણ તેમણે અભ્યાસ કર્યો હતો. તમામ પાસાના અભ્યાસ બાદ આ કમિટી પ્લાસ્ટિકના ઉપયોગ અને નિકાલની નવી નીતિ ઘડશે તેમ જણાય છે.
દિવસેને દિવસે પ્લાસ્ટિક વેસ્ટ એક મોટી સમસ્યા બની રહ્યું છે. દુર્ભાગ્યની વાતતો એ છે કે કોઈ ઠોસ કીમિયો આ દિશામાં હજુ સુધી મળ્યો નથી. જોવાનું એ છે કે આવી બેઠકો તેમજ તેમાં ચર્ચાતી નીતિઓ કેટલી કારગત નીવડશે