અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા બે યુવાનોએ દેવું વધી જતા દસ વર્ષ બાળકનું અપહરણ કરી અને રૂપિયા ૧૫ લાખની ખંડણીની તેના પરિવાર પાસે માંગણી કરી હતી જોકે આ બાબતની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડયા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, નરોડાના નાના ચીલોડા વિસ્તારમાં સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા ચંદ્રકાન્ત પટેલ માણસા માં એલ્યુમિનિયમ ની ફેકટરી ચલાવે છે. ૧૨ ફેબ્રુઆરી ના રોજ તેમનો ૧૦ વર્ષનો દીકરો સોસાયટી પાસે રમતો હતો.
ત્યારે એક રીક્ષા માં આવેલા બે અજાણ્યાં શખ્સો તેને ખેંચી લીધો અને ચપ્પુ બતાવી ગોંધી રાખ્યો. બાળક પાસેથી તેના પિતા ચંદ્રકાન્ત ભાઈનો નંબર મેળવી દીકરાને છોડવા માટે રૂ ૧૫ લાખની માંગણી કરી હતી. અલબત્ત આરોપીઓને પોલીસે બીક લાગતાં તેમણે અપના થોડા સમયમાં બાળકને તેના ઘર પાસે ઉતારી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટયા હતા. જે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ અંગે ક્રાઈમ બ્રાંચને જાણ થતાં એસીપી બી વી ગોહિલ અને અન્ય અધિકારીઓની ટીમોએ અપહરણ થયું તે જગ્યાની આસપાસના સિસિટીવી ફૂટેજ જોયા હતા. તદુપરાંત ચંદ્રકાંત ભાઈ ને જે મોબાઈલ નંબર ફોન આવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને સર્વેલન્સ ટીમે સઘન તપાસ કરતા આરોપીઓ વૈષ્ણોદેવી સર્કલ થી છારોડી જવાના સર્વિસ રોડ પાસે રિક્ષા લઈને બેઠા છે તેવી માહિતી મળી હતી. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
પુછતાછમાં તેમના નામ મુકેશ નગારચી ઉંમર વર્ષ 30 રહે, શિવાલય, ભૂયંગદેવ ચાર રસ્તા ઘાટલોડિયા અને અને કલ્પેશ ઉર્ફે પકોડો બારોટ રહે તેજસ એપાર્ટમેન્ટ પાવાપુરી ઘાટલોડિયા. હોવાનું જાણવા મળ્યું. આ બંને જણા રીક્ષા ચલાવે છે.
તેમને પોલીસે જણાવ્યું કે તેમણે વ્યાજે પૈસા લીધા હતા જે દેવું કુલ ૧૧ લાખ થઇ ગયું હતું, જે ચૂકવવા માટે તેમની પાસે પૈસા હતા નહી.
ટીવી સિરિયલ ‘ક્રાઈમ પેટ્રોલ’માં આ રીતે અપહરણ કરી ખડણી માગ્યાનો કિસ્સો તેમણે જોયો હતો. જેના આધારે તેમણે અપહરણ નો પ્લાન બનાવ્યો હતો.
આ દેવુ ચૂકવવા માટે તેમણે કોઈ પણ બાળકનું અપહરણ કરી અને તેના પિતા પાસેથી રૂપિયા ૧૫ લાખની ખંડણી મેળવવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ આરોપીઓ રીઢા ગુનેગાર ન હોવાથી ડરી ગયા હતા. પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવહી હાથ ધરી છે.