અમદાવાદમાં પોલીસ રક્ષક નહિ પરંતુ ભક્ષક બની હોવાના કિસ્સા પ્રકાસમાં આવી રહ્યા છે. ગત રાત્રીના હેલ્મેટ સર્કલ નજીક એરપોર્ટથી આવતી એક વાનને રોકી તેમાં રહેલા પેસેન્જરને ગોધી રાખતા વસ્ત્રાપુર પોલીસ મથકમાં ૨ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. મોફાક મોનેર તાક્લા નામના વ્યક્તિ કે જે મૂળ શારજહાંના રહેવાસી છે. તે ગત ૩૧ તારીખે વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ટેક્ષી મારફતે તે હોટેલ હયાત જઈ રહ્યા હતા. ત્યારે ખાનગી વાહનમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના ૨ માણસો હેલ્મેટ સર્કલ નજીક ટેક્ષી રોકી હતી અને મોફાક તાક્લાનો સામાન ચેક કર્યો હતો.
જેમાંથી દારૂની બોટેલ મળતા ટેક્ષી ડ્રાઈવર અને મોફાક તાક્લાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પાછળ આવેલી ગલીમાં ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન મોફાક તાક્લાએ જણાવ્યું હતું કે હું યુએઈનો રહેવાસી છુ મને દારૂ સાથે રાખવાની પરમીશન છે. તેમ છતાં તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા. અનેક રજૂઆત બાદ તેને જવા દેવામાં આવ્યા હતા. જે બાદ મોફાક તાક્લા હોટેલ હયાત રવાના થયા હતા અને ગત રાત્રીના ૧૦ વાગ્યે વસ્ત્રાપુર પોલીસ મથક પહોચી સમગ્ર મામલે જાણ કરતા ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાતા જ વસ્ત્રાપુર પોલીસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે.
મોફાક તાક્લા શહેરના એક આઈપીએસ અધિકારીના મિત્ર છે
કારણ કે ક્યાં કોન્સ્ટેબલની શિફ્ટ શું છે તે પોલીસ અધિકારીઓને જાણ હોય જ છે તેમ છતાં પોલીસ સામેની ફરિયાદ નામ જોગ નોંધી નથી. વસ્ત્રાપુર પોલીસ મથકના સુત્રો કહી રહ્યા છે કે મોફાક તાક્લા શહેરના એક આઈપીએસ અધિકારીના મિત્ર છે. સમગ્ર મામલો તેના ધ્યાને આવતા તેણે વસ્ત્રાપુર પોલીસ મથકમાં આ કાર્યવાહી કરાવી છે. છેલ્લા ઘણા સમયથી એ ફરિયાદો ઉઠી રહી હતી કે એરપોર્ટથી આવતા વાહનને હેલ્મેટ સર્કલ નજીક રોકવામાં આવે છે અને તેની પાસે જો દારૂ હોય તો તોડ કરવામાં આવે છે. અને જો આ પ્રકારે કોઈ કાયદેસર દારૂ લાવે તો તેની પાસેથી બળજબરી પૂર્વક દારૂની બોટલો આચકી લેવામાં આવે છે. પરંતુ સામાન્ય બાબત હોવાના કારણે લોકો ફરિયાદ કરવા માટે જલ્દી પોલીસ સ્ટેશન જતા નથી.