અમદાવાદ : મતદારોને રીઝવવા માટેનાં પ્રયાસો કરવા જતાં બાપુનગર દિનેશ ચેમ્બર પાસે બનેલાં ફલાય ઓવરને બે નામ આપી દેવાયાં છે.
બાપુનગર વોર્ડનાં ૧૩૨ ફૂટનાં રીંગરોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વકરતી જતી હોવાથી તેમજ પૂર્વ વિસ્તારમાં વિકાસકાર્યોબતાવવા માટે દિનેશ ચેમ્બર ચાર રસ્તા ખાતે ફલાય ઓવર બ્રિજનુ નિર્માણકાર્ય તાજેતરમાં સંપન્ન થયુ હતું.
પાટીદારોએ જાતે લોકાર્પણ કર્યાની ઘોષણા કરી હતી અને પાટીદાર બ્રિજ તેવુ નામ લખેલાં સ્ટીકરો ચોટાડી દીધા હતા. જોકે તરત જ શાસક પક્ષ ભાજપે ફલાય ઓવર બ્રિજનાં લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવી કાઢયો હતો અને મુખ્યમંત્રીનાં હસ્તે તેનુ લોકાર્પણ કરાવી દીધુ હતું.
સ્ટે.કમિટીની આજે મળેલી બેઠકમાં તાકીદનાં કામ તરીકે દિનેશ ચેમ્બર ચાર રસ્તા પાસેનાં ફલાય ઓવરને સરદાર વલ્લભભાઇ પટેલ ડાયમંડ ફલાય ઓવરબ્રિજ નામની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ હતી.
સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે , પૂર્વ પટ્ટાનાં પાટીદારોને રાજી રાખવા માટે તેમજ બાપુનગર ચાર રસ્તા આસપાસ હીરાનાં કારખાનાઓને ધ્યાને લઇ સરદાર વલ્લભભાઇ પટેલ ડાયમંડ ફલાય ઓવર નામ નક્કી કરવામાં આવ્યુ. દરખાસ્ત પણ સ્ટે.કમિટીનાં સભ્ય એવા ગૌતમભાઇ પટેલ તથા ગૌતમભાઇ કથિરીયા એમ બે પટેલ કોર્પોરેટરો પાસે કરાવવામાં આવી હતી.
આ ફલાય ઓવરબ્રિજનુ અગાઉ શ્રી હરદાસ બાપુ ફલાયઓવર બ્રિજ નામાભિધાન કરવાની દરખાસ્ત મ્યુનિ. બોર્ડનાં એજન્ડામાં પ્રસિધ્ધ થઇ હતી
. દરખાસ્તમાં જણાવાયુ છે કે, સમાજનાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવાને જ પોતાનો જીવન ઉદ્દેશ બનાવનારા સંતશ્રી હરદાસ બાપુનુ નામ કાયમ રહે તે માટે બ્રિજને તેમનુ નામ આપવાનુ ઠરાવવામાં આવે છે
પહેલાં પૂર્વ પટ્ટામાં સૌરાષ્ટ્ર પંથકનાં નાગરિકોની મોટી સંખ્યાને ધ્યાને રાખી શ્રી હરદાસ બાપુ ફલાય ઓવર બ્રિજ નામાભિધાન કરવાનુ નક્કી કરાયુ અને પછી કોઇ કારણસર પાટીદારોને ધ્યાને રાખી સરદાર વલ્લભભાઇ પટેલ ડાયમંડ ફલાય ઓવર નામ અપાયુ છે.
સાબરમતી નદી ઉપર સરદાર વલ્લભભાઇ પટેલનાં નામનો બ્રિજ છે તેમ છતાં પાટીદાર ફેકટરને રિઝવવાનાં પ્રયાસરૂપે બાપુનગર બ્રિજને સરદાર પટેલ નામ આપ્યુ
સ્ટે.કમિટીમાં તમામ સભ્યોએ નવા વર્ષની પહેલી સ્ટે.કમિટીમાં અધિકારીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવી સંતોષ માન્યો હતો. ત્યારબાદ સ્ટે.કમિટી ચેરમેન પ્રવીણભાઇ પટેલે વિધાનસભા આચારસંહિતા અમલી બની જાય ત્યારબાદ શહેરમાં પાણી,ગટર, રોડ, લાઇટ સહિતનાં પ્રાથમિક સુવિધાને લઇ કોઇ ફરિયાદો ન ઉઠે અને કયાંય કોઇ ફરિયાદ આવે તો યુધ્ધનાં ધોરણે હલ કરવા તંત્રને સૂચના આપી હતી.