અમદાવાદીઓ માટે ગૂડ ન્યૂઝ છે. જો તમે તાજા ફળ ખાવાની ઈચ્છા રાખો છો તો તમારી આ ઈચ્છા બહુ જ ટૂંકા સમયમાં પૂર્ણ થશે. ફાર્મ-2 ડોર (Farm2door) નામથી એક સ્ટાર્ટ અપ કંપનીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું હતું. આ સર્વિસ ખૂબ ટૂંકા ગાળામાં અમદાવાદમાં શરૂ થઈ જવાની છે. લોકોને આ સુવિધા ઓન લાઈન અને ઓફ લાઈન એમ બન્ને રીતે મળી જાય તે માટે સુગ્રથિત આયોજન કરવામાં આવ્યું છે. તમે ઘર બેઠાં તાજા ફળોનો સ્વાદ માણી શકશો.
શું છે આ કંપનીનો ખરેખર હેતુ?
ફાર્મ-2 ડોર કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરીયાએ જણાવ્યું કે ખેડુતો સાથે સંયુક્ત રીતે કામ શરૂ કરીશું. ખેતરમાંથી તરત પેકીંગ કરીને ફળોને અમદાવાદ લઈ આવવામાં આવશે અને ફળોનું વેચાણ ઓન લાઈન અને ઓફ લાઈન કરવામાં આવશે. જો કોઈને ઘર બેઠાં ફળ મંગાવવાની ઈચ્છા હશે તો અમારી એપ દ્વારા તે સરળતાથી મેળવી શકશે. જો કોઈ પોતાના ઘરની સામે જ અમારા કાર્ટમાંથી ઓફ લાઈન ખરીદારી કરવા ઈચ્છતા હશે તો પણ તેમને ફળની ડિલવરી મળી શકશે.
તેમણે કહ્યું કે ફાર્મ-2 ડોર નામથી શરૂ થઈ રહેલા આ સ્ટાર્ટ અપને મારુતિ કૂરિયરે ફંડીંગ કર્યું છે. શ્રી મારુતિ કૂરિયરના ચેરમેન રામભાઈ મોકરીયાએ કહ્યું કે મારુતિ કૂરિયર સર્વિસ 33 વર્ષથી પોસ્ટલ સેવામાં કાર્યરત છે, જેથી કરીને નવી સુવિધા થકી લોકોને જલ્દીથી જલ્દી તાજા ફળો પહોંચાડવમાં ફાર્મ-2 ડોર સક્ષમ છે. આ ઉપરાંત આ સ્ટાર્ટ અપથી 10 હજાર લોકોને રોજગાર મળશે. લોકોને આરોગ્યવર્ધક અને સારા, તાજા ફળ ઉપલબ્ધ કરાવી રોગોથી મૂક્ત વાતાવરણ ઉભૂં કરવાની પહેલ કરવામાં આવી રહી છે.
કેટલા કાર્ટ દોડશે?
ફાર્મ-2 ડોરના કો-ફાઉન્ડર મૌલિક મોકરીયા કહે છે કે થોડાક જ દિવસોમાં અમદાવાદમાં 25 કરતાં પણ વધુ કાર્ટ દોડવા માંડશે અને જૂજ મહિના બાદ કાર્ટની સંખ્યા વધીને 300 કરવાનો નિર્ધાર છે. આના થકી 10 હજાર લોકોને રોજગારી મળશે.
સ્ટાર્ટ અપના આ સાહસમાં જે કાર્ટ દોડવાના છે તે સંપૂર્ણપણે ગ્રીન ટેક્નોલોજી એટલે કે બેટરીથી સંચાલિત હશે. મૌલિક મોકરીયા વધુમાં કહે છે કે અમદાવાદમાં પ્રથમ 25 કાર્ટ દોડશે અને ત્યાર બાદ સંખ્યા વધારીને 300 કરાશે. આના કારણે ગ્રાહકોને સીધી રીતે ખેતરમાંથી જ ફળ પ્રાપ્ત થઈ શકશે. આના સીધો અર્થ એ થાય છે કે જો આટલી મોટી સંખ્યામાં કાર્ટ દોડશે તો તેનો સીધો લાભ 10 હજાર લોકોને રોજગારી રૂપે મળશે.
શું ફળો સસ્તા મળશે?
કંપનીએ દાવો કર્યો છે કે હાલ માર્કેટમાં ફળોનો જે ભાવ છે તેના કરતાં ફાર્મ-2 ડોરના ફળોનો ભાવ 40થી 50 ટકા સસ્તા હશે. ખેડુત પાસેથી ખેતરમાંથી ખરીદી કરીને સીધા માર્કેટમાં સપ્લાય કરવામાં આવશે. કાર્ટ એવી રીતે બનાવાયા છે કે લાંબા સમય સુધી ફળો તાજા રહી શકે છે. કંપની કહે છે કે અમે વેપારી પાસેથી નહીં પણ ખેડુતના ખેતરમાંથી ફળ ખરીદવાના છે. આ સુવિધાનો લાભ ગુજરાતનાં શહેર અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર જેવા શહેરોને પણ ઓન લાઈન અને ઓફ લાઈન એમ બન્ને રીતે મળવાનો છે.