અમદાવાદઃ છ મહાનગરપાલિકા બાદ પંચાયત ચૂંટણી પરિણામમાં કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસ જોજનો દૂર પણ દેખાતી નથી. છ મહાનગર પાલિકામા કૉંગ્રેસના સૂપડા સાફ થયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, આ દરમિયાન અમદાવાદ જિલ્લા પંચાયતનું પરિણામ રસપ્રદ આવ્યું છે.
આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત છે. અમદાવાદ જિલ્લામાં એક માત્ર શાહપુર બેઠક ST માટે મહિલા અનામત સાથે અનામત રખાઇ હતી. જેમા કૉંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 34માંથી 30 બેઠક મળી છે.
અનામત બેઠક પર કૉંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી જતા એવી સ્થિતિ ઊભી થશે કે પ્રમુખ પદ પર પણ કૉંગ્રેસ હશે અને વિપક્ષ પર પણ કૉંગ્રેસ હશે. ભાજપ પાસે બહુમત હોવા છતાં કૉંગ્રેસી ઉમેદવાર પારૂબેન પઢાર અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે. આવું ન કરવું પડે તે માટે ભારતીય જતના પાર્ટીએ પ્લાન બી તૈયાર કર્યો છે.
અમદવાદ જિલ્લા સંગઠન તરફથી પ્રદેશ અધ્યક્ષ સામે એવો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો કે કૉંગ્રેસના વિજેતા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લેવામાં આવે અને તેમને પ્રમુખ બનાવવામાં આવે. જોકે, કૉંગ્રેસમાંથી આવેલા લોકોને હોદ્દો ન આપવાની નીતિને પગલે પ્રદેશ અધ્યક્ષે આ પ્લાન પડતો મૂકીને સુરક્ષિત બેઠક પર આદિવાસી ઉમેદવારને ચૂંટણી જીતાડી તેને પ્રમુખ બનાવવામાં આવે તેવી સૂચના આપી હતી.
જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામ જાહેર થતા જ ભાજપની આદીજાતીની મહિલા ઉમેદવારનો કારમો પરાજ્ય હતો. આથી ના છુટકે કોંગ્રેસમાંથી જીતેલા આદીજાતીની મહિલા ઉમેદવારને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિને નિવારવા માટે ભાજપના કેટલાક રણનીતિકારોએ નવી જ રણનીતિ વિચારી છે. સૂત્રોના કહેવા મુજબ, ભાજપ કોઈ એક ઉમેદવારનુ રાજીનામુ અપાવડાવીને તેના સ્થાને આદીજાતી મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવીને જીતાડીને પ્રમુખ બનાવવાની તૈયારીઓ શરુ કરી છે.