આઠ દિવસ બાદ શાકભાજી ખરીદવા માટે આકરા તાપમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું ઓછું નહોતું ત્યારે હવે અમદાવાદીઓને પૈસા પણ ડબલ ચૂકવવા પડી રહ્યા છે. શુક્રવારે માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે શહેરીજનોને ડબલ પૈસા ચૂકવવા પડ્યા. પાછલા અઠવાડિયે બટાકા 30 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. જે હવે 60 રૂપિયામાં વેચાય છે.
આવી જ રીતે ડુંગળીની કિંમત પાછલા અઠવાડિયે 25 રૂપિયા પ્રતિ કિલો હતી, જે વધીને 50 થઈ ગઈ. વેપારીઓ મુજબ, ગુરુવારે રિટેલર્સ વચ્ચે માર્કેટમાં શાકભાજીના જથ્થાના સ્ટોક વિશે કન્ફ્યુઝન હતું, જેના પરિણામે શુક્રવારે અચાનક માગમાં ઉછાળો આવતા કિંમતો વધી ગઈ. શાકભાજી સરળતાથી પહોંચી શકે તે માટે અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીએ જેતલપુર APMCને ત્રણ જુદી જુદી જગ્યાએ ખસેડી છે. જોકે સમય પર વેપારીઓ પાસે માહિતી ન પહોંચતા શાકભાજી પહેલાની જેમ મળવા સરળ નહોતા, પરિણામે કિંમતો વધી ગઈ.
શાકભાજી વિક્રેતા ધનશ્યામ ભરવાડે કહ્યું, મને એમ હતું કે મારે જેતલપુર APMCમાંથી શાકભાજી લેવાના છે, આથી હું 3000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ભાડું કરીને ત્યાં ગયો. ત્યાં માત્ર મર્યાદિક સ્ટોક જ ઉપલબ્ધ હતો, આથી મારે શાકભાજી ઉંચી કિંમતે વેચવા પડ્યા. અચાનક શાકભાજીના ભાવમાં બમણા થતા લોકો અકળાયા હતા. સિંધુ ભવન રોડ પર રહેતા શિતલ દાતણિયાએ કહ્યું, આ ગ્રાહકો પાસેથી ઊઘાડી લૂંટ છે. વેપારીઓ જાણતા હતા લોકો મોટી સંખ્યામાં શાકભાજી ખરીદવા માટે બહાર આવશે. જ્યારે એક અઠવાડિયાથી સપ્યાલ જ બંધ હતી તો અચાનક કિંમતો કેવી રીતે વધી ગઈ.